બિહારના છપરામાં મોટી હોનારત, બોટ ઊંધી વળી જતાં 3ના મૃત્યુ, 15 લાપતા…
છપરાઃ બિહારના છપરા જિલ્લામાં બુધવારે મોડી સાંજે થયેલી એક મોટી દુર્ઘટનામાં ત્રણ જણના મૃત્યુ થયા હતા, જ્યારે 15 જણ ગુમ હોવાની માહિતી સામે આવી રહી છે.
મળી રહેલી માહિતી પ્રમાણે માંઝી પોલીસ સ્ટેશનની હદમાં આવતા મટિયાર ગામ ખાતે સરયુ નદીમાં બોટ ઊંધી વળી જતાં બોટમાં સવાર 18 લોકો લાપતા થઈ ગયા હતા. જેમાંથી ત્રણના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે 15 લોકો હજી પણ લાપતા હોવાનું જાણવા મળી મળી રહ્યું છે. પોલીસ અને ડાઇવર્સની ટીમ ગુમ થયેલા લોકોને શોધવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધર્યું છે. દુર્ઘટના સ્થળે અંધારું હોવાને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં અવરોધ આવી રહ્યાછે.
દુર્ઘટનાની જાણ થતાં જ છપરા જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક ઘટના સ્થળે રવાના થઈ ગયા હતા અને એકમાના વિધાનસભ્ય શ્રીકાંત યાદવ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સાધનો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર બોટમાં સવાર તમામ લોકો ખેડૂતો છે અને તેઓ ડાયરા ખાતે ખેતી કરે છે. બુધવારે સાંજે ખેતીકામ કર્યા બાદ આ ખેડૂતો ઘરે પાછા ફરી રહ્યા હતા એ સમયે આ હોનારત થઈ હતી.
અકસ્માત સમયે નદી કિનારે કેટલાક ગ્રામજનો હાજર હતા અને એમણે જ માંઝી પોલીસ સ્ટેશનને આ ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ અને ડાઈવર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહો બહાર કાઢ્યા છે અને બાકીના 15 લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.
ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને એસપી પણ ઘટનાસ્થળે હાજર છે અને ક્ષણેક્ષણની માહિતી મેળવી રહ્યા છે. રેસ્ક્યુ ઓપરેશનને વધુ ઝડપી બનાવવા માટે એસડીઆરએફની ટીમ બોલાવવામાં આવી છે.