મૈથિલી ઠાકુરની અલીનગર બેઠક પર ભવ્ય જીત: બિહારની સૌથી યુવા વિધાનસભ્ય બનશે

પટણા: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDA ગઠબંધનની પાર્ટીઓનો દબદબો જોવા મળી રહ્યો છે, ત્યારે દરભંગા જિલ્લાની પ્રતિષ્ઠિત અલીનગર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર અને પ્રખ્યાત લોક ગાયિકા મૈથિલી ઠાકુર વિજેતા બન્યા છે.
મૈથિલી ઠાકુરને મળ્યા 80 હજારથી વધુ મત
મૈથિલી ઠાકુરે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ઉમેદવાર વિનોદ મિશ્રાને 11,000થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા છે. અલીનગરમાં મતગણતરીના તમામ રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે અને સત્તાવાર જાહેરાત બાકી છે. અલીનગર બેઠક પર કુલ 12 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, પરંતુ મુખ્ય લડાઈ ભાજપ અને RJD વચ્ચે જ હતી.
આપણ વાચો: રાજકારણમાં જંપલાવનાર ગાયિકા મૈથિલી ઠાકુર પણ મેદાનમાં; જીતનો દાવો કરી વિકાસના કામો ગણાવ્યા
મત ગણતરીના અંતિમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ, મુખ્ય ઉમેદવારોને મળેલા મતોની વિગત આ પ્રમાણે છે. NDA ગઠબંધનમાંથી ભાજપના ઉમેદવાર મૈથિલી ઠાકુરને 84,915 મત મળ્યા છે.
મહાગઠબંધનમાંથી RJDના ઉમેદવાર વિનોદ મિશ્રાને 73,185 મત મળ્યા છે. અપક્ષ ઉમેદવાર સૈફુદ્દીનને 2,803 મત મળ્યા છે. જ્યારે જનસુરાજના વિપ્લવને 2,245 મત મળ્યા છે.
મતગણતરી દરમિયાન ભાજપ અને RJD વચ્ચેના માર્જિનમાં વધઘટ થતી રહી હતી, પરંતુ મૈથિલી ઠાકુરે બીજા રાઉન્ડથી જ લીડ જાળવી રાખી હતી અને અંતે 11,730 મતોના માર્જિનથી જીત મેળવી.
આપણ વાચો: રાજકારણમાં એન્ટ્રીની ચર્ચા વચ્ચે મૈથિલી ઠાકુરે આપી પોતાની પહેલી પ્રતિક્રિયા
સૌથી નાની ઉંમરની વિધાનસભ્ય બનશે મૈથિલી ઠાકુર
ઉલ્લેખનીય છે કે, ભાજપે બિહાર અને દેશભરમાં પરિણામો પર નજર રાખીને લોક ગાયિકા મૈથિલી ઠાકુરને મેદાનમાં ઉતાર્યા હતા. 6 નવેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં અલીનગર વિધાનસભા બેઠક પર 60.32 ટકા મતદાન નોંધાયું હતું.
આજે આવેલા પરિણામો જણાવી રહ્યા છે કે, મૈથિલી પોતાની લોકપ્રિયતાને વોટબેંકમાં પરિવર્તિત કરવામાં સફળ રહી છે. હવે મૈથિલી સૌથી નાની ઉંમરની Gen Z ધારાસભ્ય બનશે.



