ગૃહ પ્રધાન અમિત શાહ માટે મહુઆ મોઈત્રાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, પોલીસ ફરિયાદ થઈ, જાણો મામલો?

કોલકાતા: તૃણમૂલ કૉંગ્રસ પાર્ટી (ટીએમસી)નાં સાંસદ મહુઆ મોઇત્રા સંસદમાં પોતાની વાકછટા માટે જાણીતા છે. પોતાના આક્રમક ભાષણમાં તેઓ સત્તાપક્ષ પર પ્રહારો કરતા રહે છે, પરંતુ તાજેતરમાં મહુઆ મોઇત્રાએ ગૃહ પ્રધાન અમિત શાહને લઈને એવી વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે, કે જેને લઈને વિવાદ સર્જાઈ શકે છે.
અમિત શાહને શું બોલ્યા મહુઆ મોઇત્રા?
પશ્ચિમ બંગાળમાં ગેરકાયદે ઘૂસણખોરી થાય છે, એવું ઘણીવાર વડા પ્રધાન અને ગૃહ પ્રધાન કહેતા રહે છે. આ ગેરકાયદે ઘૂસણખોરીને લઈને પત્રકારોએ તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાને સવાલ કર્યો હતો. પત્રકારોના સવાલનો જવાબ આપતા મહુઆ મોઇત્રાએ જણાવ્યું હતું કે, “મારો તેઓને(ગૃહ પ્રધાન) સીધો સવાલ છે, તેઓ માત્ર કહી રહ્યા છે ઘૂસણખોર…ઘૂસણખોર…ઘૂસણખોર.
અમારી જે સરહદ છે, તેની રખેવાળી જે એજન્સી કરી રહી છે, તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. વડા પ્રધાને 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી જણાવ્યું હતું કે, ઘૂસણખોરી થઈ રહી છે અને તેના કારણે ડેમોગ્રાફી બદલાઈ રહી છે. જ્યારે વડા પ્રધાન આવી વાત કહી રહ્યા હતા, ત્યારે પહેલી હરોળમાં બેસેલા ગૃહ પ્રધાન તેમની વાત સાંભળીને શરમજનક રીતે હસી રહ્યા હતા અને તાળીઓ પાડી રહ્યા હતા.”
ઘૂસણખોરી થાય છે, તો ભૂલ કોની?
મહુઆ મોઇત્રાએ આગળ જણાવ્યું કે, “જો ભારતની સરહદની રક્ષા કરનારું કોઈ નથી. જો બીજા દેશના લોકો સો, હજાર અને લાખોની સંખ્યામાં ઘૂસણખોરી કરી રહ્યા છે અને આપણી મા-બહેનો પર ખરાબ નજર નાખી રહ્યા છે, આપણી જમીન પચાવી રહ્યા છે, તો પહેલા તમારે અમિત શાહનું માથું કાપીને ટેબલ પર મૂકી દેવું જોઈએ.
જો ગૃહ મંત્રાલય ભારતની સરહદની રક્ષા નથી કરી શકતું અને વડા પ્રધાન સ્વયં કહી રહ્યા છે કે બહારથી આવીને લોકો આપણી મા-બહેનો પર નજર નાખે છે અને આપણી જમીન પચાવી રહ્યા છે, તો આ ભૂલ કોની છે? મારી કે તમારી ભૂલ છે? અહીંયા તો BSF છે. અમે પણ તેનાથી ડરીએ છીએ. બાંગ્લાદેશ આપણું મિત્ર રહ્યું છે, પરંતુ તમારા કારણે છેલ્લા ઘણા વર્ષોમાં પરિસ્થિતિ બદલાઈ છે.”
ભાજપએ નોંધાવી મહુઆ મોઇત્રા સામે ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, મહુઆ મોઇત્રાની આ ટિપ્પણી વિવાદાસ્પદ બની છે. જેમાં ગૃહ પ્રધાન અને ગૃહ મંત્રાલય પર સીધા આક્ષેપો લગાવવાની સાથોસાથ વિવાદાસ્પદ શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, તેથી નદિયા જિલ્લાના કૃષ્ણનગરમાં કોતવાલી પોલીસ સ્ટેશનમાં ભાજપના સંદીપ મજૂમદારે મહુઆ મોઇત્રા સામે ફરિયાદ નોંધાવી છે. જોકે, આ ફરિયાદને લઈને મહુઆ મોઇત્રાએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ પણ વાંચો…કોલકત્તા ગેંગરેપ કેસમાં TMCના નેતાઓએ કર્યો બફાટ, મહુઆ મોઈત્રાએ લીધા આડે હાથ