મોઇત્રા કેસ, એથિક્સ કમિટીની બેઠક આવતા અઠવાડિયે યોજાશે…
નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા તરફથી પૈસા લઇને પ્રશ્ર્નો પૂછવાના કિસ્સામાં લોકસભા એથિક્સ કમિટીની બેઠક ટૂંક સમયમાં યોજાવાની છે. મહુઆ મોઇત્રાએ ગુરુવારે કહ્યું હતું કે લોકસભાની એથિક્સ કમિટિ સમક્ષ તેમને કેટલાક અપમાનજનક પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. એથિક્સ કમિટીની બેઠક આવતા અઠવાડિયે યોજાઈ શકે છે.
સાંસદ મહુઆ મોઇત્રાએ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે તેમની પર લગાવેલા આરોપો અંગે એથિક્સ કમિટિ સમક્ષ તેમની સાથે અનૈતિક, અભદ્ર, અને પૂર્વગ્રહયુક્ત વર્તન કરવામાં આવ્યું હતું. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સમિતિના અધ્યક્ષ, ભાજપના સાંસદ વિનોદ કુમાર સોનકરે કેસ સંબંધિત પ્રશ્નો પૂછવાને બદલે તેમને અપમાનજનક પ્રશ્રેનો પૂછીને પૂર્વગ્રહ દર્શાવ્યો હતો. જો કે વિનોદ કુમાર સોનકરે પાછળથી ફેરવી તેળ્યું અને કહ્યું હતું કે સમિતિને કેસની વ્યાપક તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું અને સહકાર આપવાને બદલે મોઇત્રા વારે વારે ગુસ્સે થઈ જતા હતા અને ગમે તેવા શબ્દો બોલતા હતા.
સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું હતું કે તે ગમે તે કરી લે પરંતુ વિશ્ર્વની કોઇપણ તાકાત મોઇત્રાને બચાવી શકશે નહી. જ્યારે સાંસદ નિશિકાંત દુબેએ આ ટિપ્પણી કરી તેના થોડા કલાકો પહેલા મોઇત્રા બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે મોઇત્રા પર ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના કહેવા પર સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ મોઇત્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દુબેએ 15 ઓક્ટોબરના રોજ લોકસભા અધ્યક્ષને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો હતો કે લોકસભામાં મોઇત્રા દ્વારા પૂછવામાં આવેલા 61 પ્રશ્નોમાંથી 50 પ્રશ્નો અદાણી જૂથ પર કેન્દ્રિત હતા. જેમાં મોઇત્રા અને ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની વચ્ચે લાંચની લેવડદેવડના એવા પુરાવા શેર કર્યા છે કે જેને ફગાવી શકાય તેમ નથી. દુબેની ફરિયાદ લોકસભા સ્પીકરે એથિક્સ કમિટીને મોકલી હતી.