
નવસારી: ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન પરીખનું 93 વર્ષની વયે આજે મંગવારે અવસાન થયું, તેમણે નવસારી ખાતે અંતિમ શ્વાસ લીધા. આવતીકાલે બુધવારે સવારે 8 વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે. વીરાવળ સ્મશાન ભૂમિ ખાતે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
નીલમબેન મહાત્મા ગાંધીના પુત્ર હરિદાસ ગાંધીની પૌત્રી હતા. તેમણે જીવનભર મહાત્મા ગાંધીની વિચારધારાને અનુરૂપ કાર્યો કર્યા. તેમણે મહિલાના સશક્તિકરણ અને માનવ અધિકારના કાર્યોમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
વૃદ્ધાવસ્થામાં નીલમબેન નવસારીના અલકા સોસાયટીમાં તેમના દીકરા ડૉ. સમીર પરીખ સાથે રહેતા હતાં.
ડૉ. સમીર પરીખે નીલમબેન અવસાન અંગે માહિતી આપી હતી.
હરિલાલ ગાંધી મહાત્મા ગાંધીજીના સૌથી મોટા દીકરા હતાં. હરિલાલ ગાંધીના દીકરી રામીબેન અને રામીબેનના દીકરી એટલે નીલમબેન.
ગાંધીજી અને હરિલાલ વચ્ચેના સંબંધો અંગે કેટલીક ફિલ્મો અને નાટકો બન્યા છે, જેમાં હરિલાલના પાત્રને નકારત્મ રીતે દર્શાવવામાં આવ્યું છે. જે જોયા બાદ નીલમબેન પરીખે ‘ગાંધીજીનું ખોવાયેલું ધન હરિલાલ ગાંધી’ નામે પુસ્તક લખ્યું, જેમાં તેમણે હરીલાલ ગાંધી અંગે ઘણી રસપ્રદ વાતો લખી છે. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી આ પુસ્તાકને એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.
આપણ વાંચો: “આ ગામ છે ગાંધીજીનું મોસાળ” ભૂંસાઈ રહેલી સ્મૃતિને સાચવવા ગામલોકોની માંગ
વર્ષોથી લોકરમાં રખાયેલા મહાત્મા ગાંધીના અસ્થીઓનું વિસર્જન નીલમબેનના હાથે મુંબઈના દરિયા કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું. 30 જાન્યુઆરી, 2008ના રોજ બાપુની હત્યાની 60મી વર્ષગાંઠ નિમિતે નીલમ પરીખે અરબી સમુદ્રમાં અસ્થિઓનું વિસર્જન કર્યું.