મહાઠગ સુકેશ ચંદ્રશેખરે કે.કવિતાને સંબોધી લખ્યો પત્ર, લખ્યું ‘તિહાડ ક્લબમાં તમારૂ સ્વાગત છે’
દિલ્હી શરાબ કૌંભાડમાં બીઆરએસના નેતા કે.કવિતાની પણ ધરપકડ થઈ છે, અને તેમને પણ દિલ્હીની તિહાડ જેલમાં મોકલાવમાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. જો કે હવે આ મામલે મહાઠગ સુકેશ ચંદ્રશેખરે એક પત્ર લખીને કવિતા પર કટાક્ષ કર્યા છે. સુકેશે કે. કવિતાને આવકારતા કહ્યું કે ‘તિહાડ ક્લબમાં તમારૂ સ્વાગત છે.’ કવિતાને સંબોધતા તેણે પત્રમાં લખ્યું છે કે આરોપોને બનાવટી ગણાવીને રાજનિતી કરનારા લોકોને તેમના કર્મોની સજા મળી રહી છે. આ લોકોએ ખુબ જ ખોટું કર્યું છે. સુકેશે કે.કવિતા પર પ્રહાર કર્યો કે હવે તારે સત્યની શક્તિનો સામનો કરવો પડશે…તારા તમામ કર્મ પાછા તારી પાસે આવી રહ્યા છે.
સુકેશે બીઆરએસ નેતા કે. કવિતાને સંબોધિત પત્રમાં લખ્યું, ‘પ્રિય કે. કવિતા, સત્યની જીત થઈ છે, તેને ખોટા કેસો, બનાવટી આરોપો, રાજકીય મેલીવિદ્યા કહેવાનું નાટક નિષ્ફળ ગયું છે. ફિલ્મ હજુ બાકી છે. હવે તમારે સત્યની શક્તિનો સામનો કરવો પડશે. તમે હંમેશા એવું જ વિચાર્યું હતું કે કોઈ તમને સ્પર્શી પણ શકે તેમ નથી. તમે ખુદને અજેય માનતા હતા, પરંતુ તમે આ નવા ભારતને ભૂલી ગયા છો, કાયદો પહેલા કરતા વધુ મજબૂત અને શક્તિશાળી છે. સુકેશે એમ પણ કહ્યું, ‘મેં મારી પ્રેસ રિલીઝમાં બે વાત કહી હતી. ગયા વર્ષે મેં કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં તેલંગાણામાં BRS સત્તાથી બહાર થઈ જશે, અને બીજું, તમારી ધરપકડ અને તિહાર ક્લબનો ભાગ બનવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તેથી એવું લાગી રહ્યું છે કે જે મેં કહ્યું હતું તે બંને વાતો સાચી પડી છે.
તિહાડ જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું છે, તેણે પોતાના પત્રમાં લખ્યું છે ‘હવે ભ્રષ્ટાચારનો વધુ એક ભંડાર ખુલવાનો છે, કવિતાની આ ધરપકડથી આપ અને ભ્રષ્ટાચારના રાજા મારા પ્રિય અરવિંદ કેજરીવાલ સહિત તેમના તમામ ભ્રષ્ટ સાથીઓની પોલ ખુલવાની છે, તમે અને તમારી પાર્ટીએ સિંગાપુર, હોંગકોંગ અને જર્મનીથી જે હજારો કરોડ રૂપિયા લૂંટ્યા અને જમા કરાવ્યા છે, તે તમામ બાબતો હવે બહાર આવી ગઈ જશે, મને વિશ્વાસ છે તમે અને તમારા સાથીો આ બાબત સારી રીતે સમજો છો.’