હિંદુ પક્ષ માટે મોટા સમાચાર, કલબુર્ગી દરગાહમાં શિવલિંગ પૂજા માટે કોર્ટે આપી મંજૂરી…

કર્ણાટક: મહાશિવરાત્રિ દરમિયાન હિંદુઓ માટે ખુશીના સમાચાર આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, કલબુર્ગી જિલ્લાની અદાલતે મહાશિવરાત્રી પર હિંદુઓને દરગાહ પરિસરમાં આવેલા શિવલિંગની પૂજા કરવાની મંજૂરી આપી દીધી છે. ધાર્મિક વિવાદ દરમિયાન આવેલો આ નિર્ણય હિંદુ પક્ષ માટે મોટી રાહત છે. આ કેસ ઐતિહાસિક શિવલિંગ અને દરગાના વિસ્તાર વચ્ચેના વિવાદને લઈને ચાલી રહ્યો હતો, જેમાં હિંદુ સંગઠનોએ પૂજા અધિકાર માટે અરજી કરી હતી. તેમાં હિંદુઓને હવે રાહત મળી છે.
દરગાહ સમિતિની અરજી પર સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
વધારે વિગતે વાત કરવામાં આવે તો, સિદ્ધ રામૈયા હિરેમઠની અરજી પર સુનાવણી કરતા કોર્ટે ગયા વર્ષની જેમ 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે મર્યાદિત લોકો સાથે શિવલિંગની પૂજા કરવાની મંજૂરી આપી છે. આજે દરગાહ સમિતિએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, જેમાં હિંદુ સંગઠનોને પૂજા કરવાની મંજૂરી ન આપવાની અપીલ કરવામાં આવી હતી, પરંતુ મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેન્ચે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો, અને કહ્યું હતું કે જો આવી દરેક અરજીની સુનાવણી સીધી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવે તો તે ખોટો સંદેશ મોકલશે કે હાઇકોર્ટ નકામી બની ગઈ છે.
શું છે આ દરગાહનો વિવાદ?
વિવાદના કેન્દ્રમાં રહેલું મંદિર 14મી સદીના સૂફી સંત હઝરત શેખ અલાઉદ્દીન અંસારી જેમને લાડલે મશૈખ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને 15મી સદીના હિંદુ સંત રાઘવ ચૈતન્ય સાથે સંકળાયેલું છે, બંનેના અવશેષો આ સ્થળે હોવાનું માનવામાં આવે છે. આ સ્થળે રાઘવ ચૈતન્ય શિવલિંગ તરીકે ઓળખાતી એક રચના પણ આવેલી છે. મુસ્લિમો અને હિંદુઓ બંને આ સ્થળે પૂજા કરતા હતા. જોકે, 2022માં પૂજાના અધિકારો અંગે સાંપ્રદાયિક તણાવ વધ્યો હતો જ્યારે બદમાશોએ શિવલિંગ પર મળ ફેંકવાનો આરોપ લગાવ્યો હતો, જેમાં પછી કેસ થયો અને વિવાદ વધારે થયો હતો.



