
મુંબઈ/નવી દિલ્હીઃ પહલગામમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ ભારતે કઠોર કાર્યવાહી કરી ઓપરેશન સિંદૂર ચલાવ્યું. ત્યાર બાદ પાકિસ્તાને પણ ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. ભારતની જવાબી કાર્યવાહીથી ગભરાયેલા પાકિસ્તાને નમતું જોખી શસ્ત્રવિરામ માટે આજીજી કરી જેને ભારતે માન્ય રાખી.
એવામાં હવે ફરી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અંગે ચર્ચા શરુ થઇ છે. તમને જણાવી દઈએ કે, IMFએ 1968થી લઈને અત્યાર સુધીમાં 24 વખત પાકિસ્તાનને બચાવવા આર્થિક મદદ કરી છે. આ મદદ છતાં પણ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ છે. આશ્ચર્યજનક વાત એ છે કે મહારાષ્ટ્ર અને તામિલનાડુ જેવા ભારતીય રાજ્યોની GDP પાકિસ્તાનની GDP કરતા વધારે છે.
આઈએમએફના તાજા આંકડા અનુસાર પાકિસ્તાનની અર્થવ્યવસ્થા 2.6 ટકા વધી છે, તેની GDP અંદાજે 373.08 અબજ ડોલર જેટલી છે. રાજકીય અસ્થિરતા, ગગડી ગયેલું ચલણ અને આંતરરાષ્ટ્રીય દેવું જેવી સમસ્યા પાકિસ્તાનના વિકાસમાં બાધારૂપ છે.
દરમ્યાન ભારતનો GDP સતત વધી રહ્યો છે અને તે પાકિસ્તાન કરતા લગભગ દસ ગણો વધારે છે. ભારત આખા વિશ્વમાં ઝડપથી વધતી અર્થવ્યવસ્થા પૈકી એક છે. 2025 માટે ભારતની વાસ્તવિક GDP માં 6.4 ટકા વધારો થયો અને તે 4 ટ્રિલિયન ડોલર કરતા વધુ છે.
પાકિસ્તાન માટે શરમજનક બાબત એ છે કે ભારતના મહારાષ્ટ્ર અને તામિલનાડુ જેવા મહત્વના રાજ્યોની GDP આખા પાકિસ્તાનના GDP કરતા વધુ છે. મહારાષ્ટ્રનું GSDP 42.67 લાખ કરોડ છે અને તામિલનાડુની 31.55 લાખ કરોડ રૂપિયા છે. મહારાષ્ટ્ર અને તામિલનાડુ બંને દેશમાં પ્રમુખ ઔદ્યોગિક અને ઓટોમોટિવ કેન્દ્ર છે જ્યાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિકરણ થયું છે. ‘મેડ ઈન ઇન્ડિયા’ ને લીધે આ બે રાજ્યોના GDP માં વધારો થશે.
આર્થિક સંકટ હોવા છતાં પાકિસ્તાનનો સંરક્ષણ ક્ષેત્રનો ખર્ચ ખુબ વધારે છે. નાણાકીય વર્ષ 2025 માટે પાકિસ્તાને તેના સંરક્ષણ બજેટમાં 16.4%નો વધારો કરતા અંદાજે 60,655 કરોડ કર્યો છે. નોંધનીય છે કે 2019થી 2023 દરમ્યાન લશ્કરી આયાતો માંથી લગભગ 82% આયાત ચીનમાંથી કરી છે.
આ પણ વાંચો….પાકિસ્તાની મીડિયાએ જ ખોલી વિદેશ પ્રધાન ઈશાક ડારના જુઠાણાની પોલ, જાણો વિગતો