Mahakumbh:ખાસ આકર્ષણ રહેશે યુપી મંડપનું! સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ જામશે રંગત…
લખનઉ: આગામી 13 જાન્યુઆરીથી પ્રારંભ થનાર પ્રયાગરાજમાં મહાકુંભ 2025 માટે ઉત્તરપ્રદેશ સરકાર તડામાર તૈયારીઓ કરી રહી છે. આ મેળામાં સમગ્ર વિશ્વમાંથી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુ ઉમટે તેવી અપેક્ષા છે. 13મી જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા આ 45 દિવસના ઉત્સવમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને આધ્યાત્મિક પરંપરાઓ પ્રદર્શિત કરવામાં આવશે. તો ચાલો જાણીએ આ મેળામાં શું શું સાંસ્કૃતિક બાબતોનું વિશેષ આકર્ષણ રહેવાનું છે.
આ પણ વાંચો : Mahakumbh 2025 : પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ વચ્ચે મોટો અકસ્માત, આઠ કામદાર ઘાયલ
પાંચ એકર વિસ્તારમાં યુપી મંડપનું પ્રદર્શન
ઉત્તર પ્રદેશ સરકારની જાહેરાત અનુસાર નાગવાસુકી મંદિર નજીક લગભગ પાંચ એકર વિસ્તારમાં યુપી મંડપનું પ્રદર્શન ગોઠવવામાં આવશે. આ મંડપમાં યુપીની પ્રવાસન સર્કિટ જોવા મળશે, જેમ કે રામાયણ સર્કિટ, કૃષ્ણ-રાજ સર્કિટ, બૌદ્ધ સર્કિટ, બુંદેલખંડ સર્કિટનું પ્રદર્શન જોવા મળશે. અહી સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે હસ્તકલા બજારની સુવિધા પણ મળી રહેશે.
સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
મહાકુંભને ભવ્યતાની સાથે જ તે સાંસ્કૃતિક મૂલ્યોનું પ્રતિક બની રહે તે માટે પણ સરકાર પૂરતા પ્રયત્નો કરી રહી છે. જે અંતર્ગત યુપી મંડપમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં ભારતના આધ્યાત્મિક વારસા પર શાસ્ત્રીય સંગીત, નૃત્ય અને પ્રદર્શનોના પ્રદર્શનો રાજ્યની સાંસ્કૃતિક સમૃદ્ધિને પ્રદર્શિત કરશે.
આ પણ વાંચો : Mahakumbh 2025: ગુજરાતથી કુંભ માટે પશ્ચિમ રેલવેએ વધુ ત્રણ વિશેષ ટ્રેન દોડાવવાની કરી જાહેરાત
નવા કોરિડોર અને મંદિરનો જીર્ણોદ્ધાર
મહાકુંભની તૈયારીઓમાં મંદિરોનાં નવો કોરિડોર અને જીર્ણોદ્ધાર પણ કરવામાં આવી રહ્યા છે. જેમાં અક્ષયવટ કોરિડોર, સરસ્વતી વેલ કોરિડોર અને પાતાલપુરી કોરિડોર જેવા નવા કોરિડોરનો વિકાસ કરવામાં આવ્યો છે. નાગવાસુકી મંદિર અને હનુમાન મંદિર કોરિડોરનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું છે.