નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ચોક્કસ માર્ગદર્શિકા માંગતી જનહિતની અરજી (પીઆઇએલ) પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. પ્રયાગરાજમાં સંગમ વિસ્તારમાં વહેલી સવારે થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા ૩૦ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ૬૦ લોકો ઘાયલ થયા હતા.
મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની ખંડપીઠે ઉત્તર પ્રદેશ સરકારની એ રજૂઆતની નોંધ લીધી કે આ મુદ્દે અલાહાબાદ હાઇ કોર્ટમાં પહેલાથી જ એક અરજી દાખલ કરવામાં આવી છે અને હાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં વિચાર-વિમર્શ થવો જોઇએ નહીં. તેને ‘દુર્ભાગ્યપૂર્ણ ઘટના’ ગણાવતા વડી અદાલતે અરજદાર એડવોકેટ વિશાલ તિવારીને અલ્હાબાદ હાઇકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચો: મહાકુંભ નાસભાગઃ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ, કરવામાં આવી આ માંગ
ખંડપીઠે તિવારીને કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. પરંતુ તમે અલાહાબાદ હાઇ કોર્ટના શરણે જાઓ. વડી અદાલતે ઉત્તર પ્રદેશ સરકાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીની રજૂઆતની નોંધ લીધી કે ન્યાયિક તપાસ શરૂ આરંભી દેવામાં આવી છે.
પ્રયાગરાજમાં બનેલી ભાગદોડની ઘટનાના એક દિવસ પછી ૩૦ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી. આ ઘટના મૌની અમાવસ્યાના દિવસે બની હતી. બંધારણની કલમ ૩૨ હેઠળ તિવારી દ્વારા એક દિવસ બાદ દાખલ કરાયેલી અરજીમાં ભાગદોડની ઘટનાઓને રોકવા અને કલમ ૨૧ હેઠળ સમાનતા અને જીવનના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે દિશાનિર્દેશોની માંગ કરવામાં આવી હતી.