Mahakumbh Special: નેપાળ, ઉત્તરાખંડથી મંગાવાઇ રહી છે રુદ્રાક્ષ-તુલસીની માળા
મહાકુંભ નગરઃ સંગમ અને મહાકુંભ મેળાના વિસ્તારોમાં દુકાનદારો નેપાળ, વારાણસી, મથુરા અને વૃંદાવનથી મંગાવવામાં આવેલી પૂજા સામગ્રી, પત્ર-પંચાંગ, રુદ્રાક્ષ, તુલસીની માળા અને પવિત્ર ગ્રંથો સહિત જરૂરી ધાર્મિક વસ્તુઓનો સંગ્રહ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Mahakumbh:ખાસ આકર્ષણ રહેશે યુપી મંડપનું! સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ જામશે રંગત…
ભક્તો-રહેવાસીઓમાં જોરદાર ઉત્સાહ
ઉત્તર પ્રદેશ સરકારે એક નિવેદનમાં જણાવ્યું કે મહાકુંભ ૨૦૨૫ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને આયોજનની સફળતા સુનિશ્ચિત કરવા માટે ઝડપથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરમાં લાખો શ્રદ્ધાળુઓની મેજબાનીની તૈયારીની સાથે જ સાધુઓ, કલ્પવાસીઓ, તીર્થયાત્રીઓ અને સ્થાનિક રહેવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભ દરમિયાન પ્રયાગરાજમાં અંદાજિત ૪૦થી ૪૫ કરોડ ભક્તો આવવાની સંભાવના છે.
તુલસીની માળા-પવિત્ર ગ્રંથોનો સંગ્રહ કરાય છે
સરકારે જણાવ્યું કે મેળા સત્તા મંડળ શ્રદ્ધાળુઓના આગમન, રહેઠાણ અને આધ્યાત્મિક જરૂરિયાતો માટે ઉત્સાહપૂર્વક તૈયારી કરી રહ્યું છે. સંગમ અને મેળાના વિસ્તારોમાં દુકાનદારો નેપાળ, વારાણસી અને મથુરા-વૃંદાવનથી મંગાવવામાં આવેલી પૂજા-સામગ્રી, પત્ર-પંચાંગ, રુદ્રાક્ષ, તુલસીની માળા અને પવિત્ર ગ્રંથો સહિત જરૂરી ધાર્મિક વસ્તુઓનો સંગ્રહ કરી રહ્યા છે. રુદ્રાક્ષની માળા ઉત્તરાખંડ અને નેપાળથી, તુલસીની માળા મથુરા-વૃંદાવનથી અને રોલી અને ચંદન જેવી પૂજા સામગ્રી વારાણસી અને દિલ્હીના પહાડગંજથી મંગાવાઇ રહી છે.
ધાર્મિક પુસ્તકોની સૌથી વધારે ડિમાન્ડ
પ્રયાગરાજના દારાગંજમાં ધાર્મિક પુસ્તક વિક્રેતા સંજીવ તિવારી જણાવે છે કે ગીતા પ્રેસ, ગોરખપુરના પુસ્તકોની સૌથી વધુ માંગ છે. ખાસ કરીને રામચરિત માનસ, ભગવત ગીતા, શિવ પુરાણ અને ભજન અને આરતીઓના સંગ્રહ. ધાર્મિક વિધિ કરનારા પૂજારીઓ વારાણસીમાં છપાયેલા પત્ર અને પંચાંગ પણ ખરીદી રહ્યા છે.
આ સિવાય મુરાદાબાદ અને વારાણસીથી પિત્તળ અને તાંબાની ઘંટડીઓ, દીવા અને મૂર્તિઓ મોટી માત્રામાં મંગાવાઇ રહ્યા છે. મેળામાં કલ્પવાસમાં ભાગ લેનારા ભક્તો, સાધુઓ અને સંન્યાસીઓ પૂજા માટે હવન સામગ્રી, આસન, ગંગાજળ, થાળી, કલશ અને અન્ય વસ્તુઓની માંગણી કરી રહ્યા છે. દુકાનદારો અપેક્ષિત માંગને પહોંચી વળવા આ વસ્તુઓનો મોટા પ્રમાણમાં સંગ્રહ કરી રહ્યા છે.