Mahakumbh 2025: મહાકુંભમા સોમવારે આસ્થાની ડૂબકી લગાવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
![President Draupadi Murmu on visit to African country](/wp-content/uploads/2024/10/President-Draupadi-Murmu-on-visit-to-African-country.webp)
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમા 11 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભ મેળામાં(Mahakumbh 2025) દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ સોમવારે પ્રયાગરાજમાં મહાકુંભમા આસ્થાની ડૂબકી લગાવશે. આ અંગે જાહેર કરેલા સત્તાવાર નિવેદન મુજબ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રયાગરાજમાં આઠ કલાકથી વધુ સમય માટે રહેશે. આ સમય દરમિયાન તેવો સંગમમાં સ્નાન કરવાની સાથે, તે અક્ષયવટ અને બડે હનુમાન મંદિરમાં પણ દર્શન અને પૂજા કરશે. તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.
અક્ષયવટની પણ પૂજા કરશે
મહાકુંભમાં ડૂબકી લગાવ્યા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અક્ષયવટની મુલાકાત લેશે અને પૂજા કરશે. સનાતન સંસ્કૃતિમાં અક્ષયવટને અમરત્વનું પ્રતીક માનવામાં આવે છે. આ હિન્દુ ધર્મનું એક મહત્વપૂર્ણ સ્થળ છે. જેનું મહત્વ પુરાણોમાં પણ વર્ણવવામાં આવ્યું છે. તેની બાદ બડા હનુમાન મંદિરની મુલાકાત લેશે અને દેશવાસીઓની ખુશી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરશે.
આ પણ વાંચો : પ્રાઈવેટ જેટથી મહાકુંભમાં પહોંચી સુપરસ્ટારની પત્ની, લગાવી સંગમમાં ડૂબકી
ડિજિટલ મહાકુંભ એક્સપિરિયન્સ સેન્ટરની મુલાકાત લેશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ડિજિટલ મહાકુંભ એક્સપિરિયન્સ સેન્ટરની મુલાકાત લેશે, જેમાં ટેકનિકલ માધ્યમો દ્વારા મહાકુંભ મેળા વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. ભારત અને વિદેશના શ્રદ્ધાળુઓ આ અદ્ભુત ઘટનાનો વધુ નજીકથી અનુભવ કરી શકે તે માટે અહીં તેની સ્થાપના કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ સાંજે 5:45 વાગ્યે પ્રયાગરાજથી નવી દિલ્હી જવા રવાના થશે. રાષ્ટ્રપતિની હાજરી મહાકુંભના ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને નવી ઊંચાઈ આપશે.