
પ્રયાગરાજઃ સંગમ ખાતે યોજાયેલા વિશ્વના સૌથી મોટા સાંસ્કૃતિક અને ધાર્મિક મેળાવડા એવા મહાકુંભના વિશાળ સંચાલનના આધારે યોગી આદિત્યનાથ સરકાર વિશ્વને એક માર્ગદર્શિકા પુસ્તકના રૂપમાં અનોખી ભેટ આપશે. મહાકુંભની સુરક્ષા, સ્વચ્છતા, સેવા, ટ્રાફિક મેનેજમેન્ટ, ડેકોરેશન, લોકોની શિષ્ટતા વગેરેના સંશોધન પર આધારિત એક અભ્યાસ કરીને ખાસ અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેના આધારે વર્લ્ડ ગાઈડ બુક તૈયાર કરવામાં આવશે. આ પુસ્તિકા માર્ચના અંત સુધીમાં તૈયાર થઈ જશે જે ભવિષ્યમાં મહાકુંભ જેવા વિશ્વ કક્ષાના કાર્યક્રમોના સફળતાપૂર્વક આયોજનમાં મદદરૂપ સાબિત થશે.
IIT કાનપુરે આ જવાબદારી લીધી છેઃ-
IIT કાનપુર મહાકુંભના દરેક પાસાની સમીક્ષા કરી રહ્યું છે. આ સમીક્ષા બાદ તેઓ એક અહેવાલ તૈયાર કરશે. મહાકુંભ મેળાના પ્રશાસનના અહેવાલ મુજબ વ્યવસ્થાપનની દ્રષ્ટિએ નદીને કિનારે ઉજજૈન, નાશિક, હરિદ્વાર અને પ્રયાગરાજમાં અત્યાર સુધી યોજાયેલા કુંભમેળાઓને વિશાળ જનમેદનીવાળા વિશ્વના કેટલાક કાર્યક્રમમાં ગણી શકાય, પરંતુ ભક્તોની સંખ્યા અને તેમના સંચાલનની દ્રષ્ટિએ આ વખતનો મહાકુંભ સૌથી મોટો સાબિત થઈ રહ્યો છે. અને IIT કાનપુર આ વૈશ્વિક ઘટનાના દરેક પાસા ઉપર અહેવાલ તૈયાર કરશે.
Also read: મહાકુંભમાં વીઆઇપીઓનો પણ રેકોર્ડ બ્રેકઃ અધિકારીઓ વ્યવસ્થાના ભારથી લદાયા…
મહાકુંભના સંચાલનનો અભ્યાસ કરવા માટે IIT કાનપુરના અર્થશાસ્ત્ર, ટેકનીકલ અને ઇલેક્ટ્રિકલ વિભાગોમાંથી કેટલાક સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો પણ છે. તેઓ જે અહેવાલ તૈયાર કરશે તે ભવિષ્યમાં દેશ અને વિદેશમાં યોજાનારા આવા વિશાળ કાર્યક્રમ માટે એક માર્ગદર્શિકાના રૂપમાં કામ કરશે.
IIT કાનપુરની ટીમ કેવી રીતે કામ કરી રહી છેઃ-
IIT કાનપુરની ટીમ મોબાઈલ ટાવરનો ડેટા એકત્રિત કરી રહી છે. તેઓ બસ અને ટ્રેનોમાં ટિકિટ વેચાણો, ઇ-પેમેન્ટ, સાયબર સુરક્ષા, પેન્ટ માય સીટી, જીએસટી કલેક્શન અને ટોલ કલેક્શ નો અભ્યાસ કરી રહ્યા છે, જેના આધારે તેઓ એક રિપોર્ટ તૈયાર કરશે IITની ટીમે કુંભમેળાના આયોજનના અધિકારીઓ સાથે જરૂરી માહિતી એકત્રિત કરવા માટે ઘણી વખત બેઠકો યોજી છે. તેમણે ભીડ વ્યવસ્થાપન, પ્રદૂષણ અને ટેકનિકલ પાસાઓનું પણ પરીક્ષણ કર્યું છે. ભવિષ્યમાં વિશ્વમાં થનારા આવા મોટા કાર્યક્રમોની સફળતા માટે મેનેજમેન્ટ બુક માર્ગદર્શક બની શકે છે. માર્ચના અંત સુધીમાં આ વિશ્વ માર્ગદર્શન બુક તૈયાર થઈ જશે, જે વૈશ્વિક લોકો માટે પ્રથમ માર્ગદર્શિકા પુસ્તક હશે.