Mahakumbh 2025: મહાકુંભમાં મળશે યોગી કેબિનેટની બેઠક, સીએમ અને મંત્રીઓ કરશે સંગમ સ્નાન
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 ફેબ્રુઆરીથી શરૂ થયેલા મહાકુંભ મેળામાં(Mahakumbh 2025) શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ આવી રહ્યો છે. જેમાં હવે 22 જાન્યુઆરીના રોજ યોગી કેબિનેટની બેઠક મહાકુંભમાં યોજવવાની છે. આ અંગે અધિકારીઓએ આપેલી જાણકારી મુજબ કેબિનેટ બેઠકમાં સીએમ યોગી સહિત કેબિનેટના તમામ મંત્રીઓ હિસ્સો લેશે. આ બેઠકમાં ઉત્તર પ્રદેશના વિકાસને લગતા મહત્વના મુદ્દા પર નિર્ણય લઇ શકે છે. મહાકુંભ મેળામાં કેબિનેટ બેઠક પૂર્વે સીએમ યોગી અને મંત્રીઓ સંગમ સ્નાન પણ કરશે. આ પૂર્વે વર્ષ 2019માં યોગી આદિત્યનાથના નેતૃત્વમાં 29 જાન્યુઆરીએ કુંભ દરમ્યાન પ્રયાગરાજમા મંત્રીમંડળની પ્રથમ બેઠક મળી હતી.
25 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી
મહાકુંભમાં અત્યાર સુધીમાં 6 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન કરી ચૂક્યા છે. ચોથા દિવસે સાંજે પાંચ વાગ્યા સુધી 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી હતી. ચાર દિવસમાં 6.25 કરોડ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી છે. મકરસંક્રાંતિ પર ત્રિવેણી સંગમમાં 3.5 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી હતી.
મહાકુંભ 26મી ફેબ્રુઆરી સુધી ચાલશે
13મી જાન્યુઆરીથી શરૂ થયેલો આ મહાકુંભ 26મી ફેબ્રુઆરી સુધી ચાલશે. કુંભ દર 12 વર્ષે એક વખત યોજાય છે અને જ્યારે 12 કુંભ મેળાનું એક ચક્ર પૂરું થાય છે ત્યારે એટલે કે 144 વર્ષે મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આ મહાકુંભ પ્રયાગરાજમાં જ યોજાય છે. જ્યારે 12 વર્ષે યોજાતા નાસિક, હરિદ્વાર, ઉજ્જૈન તેમ જ પ્રયાગરાજમાં યોજાય છે.
અમૃત સ્નાનની બીજી તિથિ 28મી જાન્યુઆરીથી
મકરસંક્રાંતિએ પહેલું શાહી સ્નાન થયું જેમાં ત્રણ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. અમૃત સ્નાનની હજી બે તિથિઓ બાકી છે. અમૃત સ્નાનની બીજી તિથિ 28મી જાન્યુઆરીથી લઈને 29મી જાન્યુઆરીની સાંજ સુધી છે. જ્યારે ત્રીજું અમૃત સ્નાન વસંત પંચમીના દિવસે થશે અને આ દિવસે પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજરી આપવા પહોંચશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.