મહાકુંભને માર્ચ સુધી લંબાવાશે? સોશિયલ મીડિયાના દાવા પર વહીવટી તંત્રની સ્પષ્ટતા

પ્રયાગરાજ: આસ્થાના મહાપર્વ મહાકુંભમાં માઘ પૂર્ણિમા બાદ શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. મહાકુંભમેળો 26 ફેબ્રુઆરીના રોજ મહા શિવરાત્રી સ્નાન સુધી ચાલુ રહેશે, પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા પર એવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે ભારે ભીડના કારણે વહીવટીતંત્ર દ્વારા મેળાને લંબાવવામાં આવ્યો છે. જો કે પ્રયાગરાજ જિલ્લા કલેકટરે આ અફવાઓને સંપૂર્ણપણે નકારી કાઢી છે.
મહાકુંભને લંબાવવાની વાત અફવા
પ્રાપ્ત વિગતો અનુસાર સોશિયલ મીડિયા પર એક અફવા ફેલાવવામાં આવી હતી કે મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના આગમનને ધ્યાનમાં રાખીને કુંભ મેળાની સમય મર્યાદા લંબાવવામાં આવી છે. પ્રયાગરાજ ડીએમએ આ અફવાઓ પર સ્પષ્ટતા આપી છે. ડીએમ રવિન્દ્ર માંધાડે મહાકુંભ માર્ચ સુધી લંબાવવાની અફવાઓને સંપૂર્ણપણે નકારી કાઢી છે. તેમણે કહ્યું કે મહા કુંભ મેળાનું સમયપત્રક શુભ મુર્હુત અનુસાર જાહેર કરવામાં આવે છે અને તેમાં ફેરફાર કરી શકાતો નથી.
26 ફેબ્રુઆરીના રોજ મહાકુંભ થશે સમાપ્ત
તેમણે આગળ જણાવ્યું હતું કે મહાકુંભની સમય મર્યાદા વધારવાનો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું મહાકુંભ 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. આ દરમિયાન, ભક્તો સ્નાન કરવા આવી રહ્યા છે અને તેમની સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેમણે લોકોને આવી કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. મહાકુંભમાં સ્નાન કર્યા બાદ લોકો તેમના ઘરે પાછા ફરે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો…PM Modi અને કતારના અમીર શેખ વચ્ચે હૈદરાબાદ હાઉસમાં યોજાઇ બેઠક
રેલવે સ્ટેશન અંગે બોલ્યા DM
રેલ્વે સ્ટેશન બંધ કરવા અંગે તેમણે વાત કરતા કહ્યું હતું કે કે કોઈ પણ રેલ્વે સ્ટેશન પૂર્વ સૂચના વિના બંધ કરવામાં આવ્યું નથી. આ એક પાયાવિહોણી અફવા છે. તેમણે કહ્યું કે અગાઉ પણ ભીડના દિવસોમાં દારાગંજમાં પ્રયાગ સંગમ સ્ટેશન બંધ કરતા આવ્યા છીએ. આ સ્ટેશન મેળાની બાજુમાં હોવાથી, અહીં મોટી ભીડ એકઠી ન થાય તે માટે તેને કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યું છે.