મહાકુંભમાં નોંધાયા અનેક ‘રેકોર્ડ’: સરકારે સફાઈ કર્મચારીઓ માટે જાહેર કર્યું બોનસ

નવી દિલ્હીઃ પ્રયાગરાજમાં 45 દિવસ સુધી યોજાયેલા મહાકુંભનું મહાશિવરાત્રીના દિવસે સમાપન થયું હતું. મહાકુંભની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. 45 દિવસમાં અહીં 66 કરોડથી વધુ શ્રદ્ધાળુએ આસ્થાની ડૂબકી લગાવી હતી. દરરોજ સવા કરોડ જેટલા શ્રદ્ધાળુઓ આવ્યા હતા. મહાકુંભમાં 70થી વધુ દેશોના 50 લાખથી વધુ ભક્તો આવ્યા હતા. અમેરિકાથી બમણી વસ્તી અને વિશ્વના 100થી વધારે દેશોની કુલ વસ્તીથી વધારે લોકો પ્રયાગરાજ આવ્યા તે જોઈને સમગ્ર વિશ્વ અચંબામાં પડી ગયું હતું, જેમાં સફાઈ કર્મચારીઓ, પોલીસ, સ્થાનિક વેપારીઓ, નાગરિકોથી લઈને વિવિધ સંસ્થાના કામકાજને કારણે આ મહાકુંભ સંપન્ન થયો.
દસ હજાર રુપિયાનું બોનસ
મહાકુંભના સમાપન પછી પ્રયાગરાજ પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મહાકુંભના સફાઈ કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી હતી. 10,000 રુપિયાનું એડિશનલ બોનસ મળશે, જ્યારે લઘુત્તમ પગાર 16,000 રુપિયા પ્રતિ માસ જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત, તમામ કામદારોને પાંચ લાખ રુપિયા સુધીની મફત સારવારનો લાભ મળશે. પહેલા સફાઈ કર્મચારીઓને આઠથી અગિયાર હજાર રુપિયા મળતા હતા, હવે એપ્રિલથી તેમાં વધારીને ઓછામાં ઓછા 16,000 કરવામાં આવશે. તમામ કર્મચારીઓને આયુષ્માન યોજના સાથે જોડીને જાહેર આરોગ્ય વીમાનો લાભ પણ આપવામાં આવશે.
સ્વચ્છતા સહિત બન્યા આ રેકોર્ડ
આ વખતે મહાકુંભમાં માત્ર શ્રદ્ધાળુઓની સંખ્યાનો જ રેકોર્ડ ન બન્યો પરંતુ સ્વચ્છતાનો રેકોર્ડ પણ બન્યો હતો. મહાકુંભ મેળા વિસ્તારના 4 ઝોનમાં એક સાથે 19000 સફાઈકર્મીએ સફાઈ કરી હતી. આ અનોખી પહેલને વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવા માટે ગિનીઝ બુકની ટીમ પણ હાજર હતી. 2019ના કુંભમાં 10000 સફાઈકર્મીએ એક સાથે ઝાડુ લગાવીને રેકોર્ડ બનાવ્યો હતો. આ વખતે 19000 સફાઈકર્મી હતા. આ ઉપરાંત ગંગા સફાઈનેો રેકોર્ડ બન્યો હતો. 4 અલગ અલગ સ્થાન પર 360 લોકોએ સફાઈ કરી હતી. તેમજ હેન્ડ પેન્ટિંગમાં 10,102 લોકોએ રેકોર્ડ બનાવ્યો હતો.
70,000થી વધુ જવાન તહેનાત હતા
સૌથી મોટી ખાસ વાત એ હતી કે આ કોઈ સરકારી આયોજન નહોતું. સનાતન પરંરપરા અને ભારતની સાંસ્કૃતિક શક્તિનો મેળો હતો. મહાકુંભમાં 37 હજારથી વધારે પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા હતા. 14 હજારથી વધારે હોમગાર્ડ્સ પણ હતા. સીઆરપીએફના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. કુલ 70 હજારથી વધુ સુરક્ષાકર્મી તૈનાત હતા. મહાકુંભના સમાપન અવસરે શ્રદ્ધાળુઓ દ્વારા સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીના ભરપેટ વખાણ કર્યા હતા.
આદિત્યનાથે 10 વખત કુંભનગર પહોંચીને કર્યું નિરીક્ષણ
મહાકુંભમાં રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, અનેક રાજ્યોના મુખ્ય પ્રધાન, ફિલ્મી સિતારા અને સ્પોર્ટ્સ, બિઝનેસ જગતની હસ્તીઓએ સંગમમાં ડૂબકી લગાવી હતી અને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. મહાકુંભના આયોજનને લઈ ઉત્તર પ્રદેશ સરકાર પહેલાંથી ગંભીર હતી. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે 45 દિવસમાં 10 વખત મહાકુંભ નગર આવીને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
મહાકુંભમાં બેનેલા રેકોર્ડ
66.30 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા
અમેરિકાની વસ્તીથી બેગણા લોકો આવ્યા
193 દેશોની વસ્તીથી વધુ લોકો મહાકુંભમાં આવ્યા
મહાકુંભમાં આવેલા શ્રદ્ધાળુઓથી માત્ર ભારત અને ચીનની વસ્તી વધારે
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમથી 166 ગણો મોટો વિસ્તાર
4000 હેક્ટરમાં મહાકુંભ મેળાનું ઝોન સ્ટ્રક્ચર
4 લાખથી વધારે ટેંટ-તંબૂ, 1.5 લાખ ટૉયલેટ બનાવાયા