મહાકુંભમાં ‘નાસભાગ’: 30 શ્રદ્ધાળુનાં મોત, ડીઆઈજીએ આપ્યું નિવેદન…

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે મૌની અમાવસ્યા અમૃત સ્નાન માટે મોડી રાતના થયેલી નાસભાગમાં અનેક લોકો ઘાયલ થયા હતા. ઘટનાના લગભગ 20 કલાક બાદ વહીવટીતંત્રે ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકોનો સત્તાવાર આંકડો જાહેર કર્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારી (ડીઆઈજી) દ્વારા આપેલી માહિતી અનુસાર અત્યાર સુધીમાં નાસભાગમાં 30 લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં 25 લોકોની ઓળખ થઈ ચૂકી છે, જ્યારે પાંચ જણની ઓળખ થઈ શકી નથી. હાલના તબક્કે ઈજાગ્રસ્ત લોકોની સારવાર ચાલુ છે. મોડી રાતથી લઈને સવારના અગિયાર વાગ્યા સુધી પરિસ્થિતિ શાંત થયા પછી સાધુસંતોએ સ્નાન કરવાનું શરુ કર્યું હતું, જ્યારે સૌને ધીરજપૂર્વક સ્નાન કરવાની અપીલ કરી હતી.
રાતના દોઢ વાગ્યે બેરિકેડ તૂટતા થઈ નાસભાગ
ઘાયલ થયેલા લોકોમાંથી 36 લોકોની સારવાર મેડિકલ કોલેજમાં ચાલી રહી છે. મુખ્ય પ્રધાન યોગીએ તમામની સારવાર સરકારી ખર્ચે કરવાનો આદેશ આપ્યો છે. ઘણા પરિવારમાં એક કરતાં વધુ સભ્યના મૃત્યુ થયા છે. કુંભનગરના DIG વૈભવ કૃષ્ણને જણાવ્યું હતું કે ભારે ભીડને કારણે બેરિકેડ તૂટી ગયા હતા. બેરિકેડ તૂટવાને કારણે લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી, જેમાં લોકોના મૃત્યુ થયા હતા. રાત્રે દોઢ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.
સાંજના પાંચ વાગ્યા સુધીમાં 5.71 કરોડ લોકોએ કર્યું સ્નાન
ડીઆઈજીએ જણાવ્યું કે મૃતકમાંથી 25 જણની ઓળખ થઈ છે, જ્યારે પાંચની ઓળખ બાકી છે. ચાર કર્ણાટક, એક આસામ, એક ગુજરાતના છે જ્યારે અમુક ઘાયલ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. ભીડને કારણે કેટલાક બેરિકેડ તૂટી ગયા હતા. કેટલાક શ્રદ્ધાળુઓ બેરિકેડ તોડીને આગળ વધવા માંગતા હતા, જેના કારણે ટોળાએ ત્યાં સૂતેલા શ્રદ્ધાળુઓ પર ચાલવાનું શરૂ કર્યું હતું. આ ઘટના બાદ 90 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડીઆઈજીએ કહ્યું કે ત્યાં કોઈ વીઆઈપી પ્રોટોકોલ નહોતો. દરમિયાન વિરોધ પક્ષે પણ સરકારની કામગીરી અંગે ઝાટકણી કાઢી હતી. સાંજના પાંચ વાગ્યા સુધીમાં લગભગ 5.71 કરોડ લોકોએ આજે ડૂબકી લગાવી છે.
Also read : Mahakumbh: પરિસ્થતિ નિયંત્રણમાં આવતા શાહી સ્નાનનો પ્રારંભ: હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા…
હેલ્પલાઇન નંબર જારી, સાધુસંતોએ કરી અપીલ
ઘાયલોની માહિતી માટે વહીવટીતંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર 1920 જારી કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાંથી ભાગદોડબુ ઘટના પર વડા પ્રધાન મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેઓ સતત મુખ્ય પ્રધાન યોગી સાથે સંપર્કમાં છે. દરમિયાન બનાવ અંગે તમામ રાજકીય પક્ષોએ દુખ વ્યક્ત કર્યું હતું, જ્યારે બુલંદશહેરમાં મુસ્લિમ સમુદાયના લોકોએ પીડિતો માટે વિશેષ દુઆ માગી હતી. બન્ને શરીફની મજાર પર ચાદર ચઢાવીને મહાકુંભના પીડિતો અને પરિવારો માટે દુઆ માગી હતી. દરમિયાન આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે કહ્યું હતું કે કુંભમાં આવનારા લોકોને ગભરાવવાની જરુરિયાત નથી. થોડા સમય માટે ધીરજ રાખો અને કોઈ ઉતાવળ કરશો નહીં. સતર્ક રહીને આગળ વધો.