ISRO એ મહાકુંભ ટેન્ટ સિટી-સંગમની સેટેલાઇટ તસવીરો પ્રકાશિત કરી
અત્યાર સુધીમાં કુંભમાં 8 કરોડથી વધુ યાત્રાળુઓએ સંગમમાં કર્યું સ્નાન
મહાકુંભ નગરઃ ઇસરોએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં મહાકુંભ ટેન્ટ સિટી પહેલાની અને પછીની સેટેલાઇ તસવીરો પ્રકાશિત કરી છે. જે મહાકુંભની ભવ્યતાની ઝલક દર્શાવે છે. જ્યાં વિશ્વભરમાંથી કરોડો લોકો સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે આવી રહ્યા છે.
મહાકુંભ દર ૧૨ વર્ષે યોજાતો એક મુખ્ય ધાર્મિક કાર્યક્રમ છે. જે ૧૩ જાન્યુઆરીથી પ્રયાગરાજમાં શરૂ થયો છે અને ૨૫ ફેબ્રુઆરી સુધી એટલે કે ૪૫ દિવસ ચાલશે. અત્યાર સુધીમાં આઠ કરોડથી વધુ યાત્રાળુઓ સંગમમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે.
આ પણ વાંચો: મહાકુંભઃ યોગીજી સહિત કેબિનેટ મંત્રીઓએ કર્યું આસ્થાનું સ્નાન, રાજકારણ ગરમાયું
ઉપગ્રહો દ્વારા લેવામાં આવેલી સમય શ્રેણીની તસવીરો પ્રયાગરાજમાં ભારત આકારના શિવાલય પાર્કના નિર્માણને દર્શાવે છે. જે ૧૨ એકર જમીનમાં ફેલાયેલું છે અને તેને ઉત્સવ માટે એક મુખ્ય આકર્ષણ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ત્રણ અલગ અલગ તારીખે લેવામાં આવેલા ફોટા આ ઐતિહાસિક સ્થળના નિર્માણને દર્શાવે છે.
ત્રિવેણી સંગમની સમય શ્રેણીની તસવીરો નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર(એનએસઆરસી) વેબસાઇટ પર પણ શેર કરવામાં આવી હતી. જેમાં સપ્ટેમ્બર ૨૦૨૩ અને ૨૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ લેવામાં આવેલી તસવીરોના માધ્યમથી તફાવત દર્શાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મહાકુંભમાં પહોંચ્યો ‘હેરી પોટર’? વાઈરલ વીડિયોથી ચાહકો ચોંકી ગયા…
ત્રણ સમય શ્રેણીની તસવીરો પ્રયાગરાજ સંગમ અને ગંગા નદીના ઝૂમ કરેલા ભાગોને પણ દર્શાવે છે. જેમાં કામચલાઉ પોન્ટૂન પૂલ પણ જોવા મળે છે. પરેડ ગ્રાઉન્ડની કેટલીક સમય શ્રેણીની તસવીરો પણ રજૂ કરવામાં આવી છે. જેમાં પૃથ્વી પર સૌથી મોટા ધાર્મિક મેળાવડાનું આયોજન કરવા માટે તૈયાર થતી વખતે આ સ્થળમાં થયેલા પરિવર્તનને દર્શાવાયું છે.