મહાકુંભમાં હેલિકૉપ્ટર રાઈડને નામે છેતરપિંડી: બિહારની ટોળકી પકડાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળામાં હેલિકૉપ્ટર રાઈડ બુક કરવાને નામે અનેક શ્રદ્ધાળુઓ પાસેથી નાણાં પડાવી કથિત છેતરપિંડી કરનારી બિહારની ટોળકીને પોલીસે પકડી પાડી હતી.
આ ટોળકીને સાયબર ફ્રોડ માટે મુંબઈના અંધેરી પરિસરમાં રહેતી યુવતી સિમ કાર્ડ્સ પૂરાં પાડતી હતી તો બિહારના યુવાને બોગસ વેબસાઈટ બનાવી આપી હતી.
કફ પરેડ પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ મૂકેશ કુમાર બ્રિજેશ કુમાર (28), સૌરભ કુમાર રમેશ કુમાર (25), અવિનાશ કમલેશ કુમાર ઉર્ફે બિટ્ટુ (21), સૃષ્ટિ પ્રદીપ બર્નાવલ (21) અને સંજિતકુમાર શૈલંદર મિસ્ત્રી (24) તરીકે થઈ હતી. આરોપી મૂકેશ આ રૅકેટનો સૂત્રધાર હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આપણ વાંચો: વિશ્વને મેનેજમેન્ટના પાઠ પઢાવશે મહાકુંભ
અધિકારીના જણાવ્યા મુજબ કફ પરેડ પરિસરમાં રહેતી મહિલાએ નોંધાવેલી ફરિયાદને આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. મહિલા પરિવાર સાથે મહાકુંભ મેળામાં જવાની હતી. તે સમયે હેલિકૉપ્ટર રાઈડ કરવાની તેની ઇચ્છા હતી.
આ માટે 17 જાન્યુઆરીએ મહિલાએ ઈન્ટરનેટ પર હેલિકૉપ્ટર રાઈડની સર્વિસ પૂરી પાડનારી કંપની વિશે સર્ચ કર્યું હતું, જેમાં એક વેબસાઈટ પરથી મહિલાને મોબાઈલ નંબર મળ્યો હતો.
ફરિયાદ અનુસાર મહિલાએ મોબાઈલ નંબર પર સંપર્ક કરતાં કંપનીના કથિત પ્રતિનિધિએ 26 જણ માટે ડિસ્કાઉન્ટ સાથે 60,652 રૂપિયા ચૂકવવાનું કહ્યું હતું. આ માટે પ્રતિનિધિએ ક્યૂઆર કોડ મોકલાવ્યો હતો.
આપણ વાંચો: મહાકુંભને માર્ચ સુધી લંબાવાશે? સોશિયલ મીડિયાના દાવા પર વહીવટી તંત્રની સ્પષ્ટતા
મહિલાએ સંબંધિત ક્યૂઆર કોર્ડ સ્કૅન કરી રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે એ નાણાં સરકારી કંપની પવન હંસને બદલે એક મહિલાના બૅન્ક ખાતામાં જમા થયા હતા. પરિણામે મહિલાને શંકા ગઈ હતી.
મહિલાએ ફરી ઈન્ટરનેટ પર સર્ચ કરતાં હેલિકૉપ્ટર રાઈડવાળી વેબસાઈટ મળી નહોતી. વળી, પ્રતિનિધિનો સંપર્ક સાધતાં તેણે ઉડાઉ જવાબ આપ્યા હતા. પછી એ મોબાઈલ નંબર પણ સ્વિચ ઑફ્ફ આવતાં પોતે છેતરાઈ હોવાની જાણ મહિલાને થઈ હતી. આવા જ પ્રકારની છેતરપિંડી કોલાબાના એક રહેવાસી સાથે પણ થઈ હોવાનું સામે આવ્યું હતું.
આ પ્રકરણે પોલીસે તપાસ કરતાં જે એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર થયાં હતાં તેમાંથી બિહારના અલગ અલગ એટીએમ સેન્ટરમાંથી કાઢવામાં આવ્યાં હોવાનું જણાયું હતું. બિહાર પહોંચેલી પોલીસની ટીમે એટીએમ સેન્ટરોના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસતાં એક જ યુવાન રૂપિયા કઢાવતો હોવાનું નજરે પડ્યું હતું.
આપણ વાંચો: મહાકુંભ હવે ‘મૃત્યુ કુંભ’ બની ગયો, મમતા બેનરજીનું વિવાદાસ્પદ નિવેદન
તસવીરને આધારે તપાસ કરી પોલીસની ટીમે બિહાર શરીફ પરિસરમાંથી અવિનાશને પકડી પાડ્યો હતો. તેણે આપેલી માહિતી પરથી સૂત્રધાર મૂકેશ અને તેનો સાથી સૌરભ ટ્રેનથી સિકંદરાબાદ જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
આ ટ્રેન નાગપુરથી પસાર થતી હોવાથી નાગપુર રેલવે પોલીસની મદદથી છટકું ગોઠવવામાં આવ્યું હતું. ટ્રેનમાંથી મૂકેશ અને સૌરભને તાબામાં લેવાયા હતા.
આ ફ્રોડ માટે અવિનાશે વેબસાઈટ બનાવી હતી અને એટીએમમાંથી રૂપિયા કઢાવવા પણ જતો હતો. મૂકેશ અને સૌરભ કંપનીના પ્રતિનિધિ તરીકે ફોન પર વાતચીત કરતા. આરોપી સૃષ્ટિ એક મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતી હતી.
સિમ કાર્ડ ખરીદવા આવનારા ગ્રાહકનું બે વાર બાયોમેટ્રિક તે કરાવી તે બે સિમ કાર્ડ પ્રાપ્ત કરી હતી. એક કાર્ડ ગ્રાહકને આપતી, જ્યારે બીજો સાયબર ફ્રોડ કરનારાઓને આપવા પોતે રાખી લેતી હતી. આ રીતે જમા કરેલાં કાર્ડ તે મિસ્ત્રીને આપતી અને મિસ્ત્રી સિમ કાર્ડ બિહાર પહોંચાડતો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.