Mahakumbh 2025: આસ્થાના સંગમ પર બનશે ચાર વર્લ્ડ રેકોર્ડ! જાણો કયા કયા સ્થપાશે રેકોર્ડ
![Where do these Naga Sadhus go after the Kumbh Mela ends? A peek into their mysterious world...](/wp-content/uploads/2025/01/sadhus.webp)
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા આસ્થાના મહાપર્વ સમાન મહાકુંભ હવે વિશ્વ રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે. પવિત્ર સંગમની ભૂમિ પર મહાકુંભમાં 14 થી 17 ફેબ્રુઆરી દરમિયાન ચાર વિશ્વ રેકોર્ડ બનશે. પ્રયાગરાજ મેળા ઓથોરિટી દ્વારા તેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ સંદર્ભે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની ટીમ પણ મહાકુંભ આવી પહોંચી છે.
આ પણ વાંચો: Mahakumbh માં ગંગા અને યમુના નદીને આ રીતે કરાય છે સ્વચ્છ, દરરોજ 15 ટન કચરાનો નિકાલ…
માઘી પૂર્ણિમાના સ્નાન સાથે હવે મહાકુંભમાં વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની ટીમ પણ અહીં પહોંચી ગઈ છે. જેને લઈને મેળા વહીવટીતંત્રએ પણ તૈયારીઓ કરી દીધી છે. અત્યાર સુધીમાં 48 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું છે. આ પૂર્વે જ મહાકુંભ માનવપ્રવાહનો સંગમ બની ગયો છે. જો કે આ દરમિયાન હવે મહાકુંભમાં ચાર વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યા છે.
15,000 સફાઈ કર્મચારીઓ કરશે સફાઇ
પ્રથમ દિવસે, 14 ફેબ્રુઆરીએ, 15,000 સફાઈ કર્મચારીઓ સંગમ વિસ્તારમાં ગંગા કિનારાના 10 કિલોમીટર લાંબા વિસ્તારને એકસાથે સાફ કરશે. કુંભ-2019માં 10 હજાર સફાઈ કર્મચારીઓએ એકસાથે ઝાડુ મારીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. જ્યારે હવે મહાકુંભ આ પોતાના જ રેકોર્ડને તોડીને એક નવો રેકોર્ડ સ્થાપિત કરશે.
1000 ઈ-રિક્ષા ચલાવીને રેકોર્ડ
બીજા દિવસે, 15 ફેબ્રુઆરીના રોજ 300 સફાઇ કર્મચારીઓ નદીમાં ઉતરીને સફાઈ અભિયાનને આગળ વધારશે, જે મહાકુંભમાં સ્થપાનાર બીજો વિશ્વ વિક્રમ હશે. ત્યારબાદ રેકોર્ડ્સની શ્રેણીમાં ત્રીજો રેકોર્ડ 16 ફેબ્રુઆરીના રોજ ત્રિવેણી માર્ગ પર 1000 ઈ-રિક્ષા ચલાવીને બનાવવામાં આવશે, જો કે આ પ્રકારનો આ પ્રથમ રેકોર્ડ હશે. આ રેકોર્ડ બનાવવા માટે 91.97 લાખ રૂપિયાનો ખર્ચ થશે.
હેન્ડ પ્રિન્ટિંગનો રેકોર્ડ
17 ફેબ્રુઆરીના રોજ કેનવાસ પર હેન્ડ પ્રિન્ટિંગનો રેકોર્ડ બનાવવામાં આવશે. ગંગા પંડાલ અને મેળા વિસ્તારના અન્ય મહત્વપૂર્ણ સ્થળોએ કેનવાસ લગાવવામાં આવશે, જેના પર આઠ કલાકમાં 10 હજાર લોકોના હાથની છાપ લેવામાં આવશે. જે એક રેકોર્ડ હશે. આ રેકોર્ડ બનાવવા માટે 95.76 લાખ રૂપિયાનો ખર્ચ થશે.