રાજસ્થાનમાં ગમખ્વાર માર્ગ અકસ્માત; મહાકુંભ જઈ રહેલા 8 શ્રદ્ધાળુઓના મોત
![8 devotees on their way to Mahakumbh die in road accident in Rajasthan](/wp-content/uploads/2025/02/8-devotees-on-their-way-to-Mahakumbh-die-in-road-accident-in-Rajasthan.webp)
જયપુર: રાજસ્થાનના સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 8 લોકોના મૃત્યુના અહેવાલો મળી રહ્યા છે. મળી રહેલ વિગતો અનુસાર ટાયર ફાટવાથી બસે કાબુ ગુમાવ્યો અને એક કારને ટક્કર મારી હતી. આ અકસ્માતની ઘટનામાં 14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલો છે. દુર્ઘટનામાં 8 લોકોના મૃત્યુ થયા છે. અહેવાલો મળી રહ્યા છે કે કારમાં સવાર તમામ લોકો મહાકુંભમાં જઈ રહ્યા હતા.
આ પણ વાંચો: મહાકુંભથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત; ટ્રકની ટક્કરથી 6 લોકોના મોત…
આઠ લોકોના મૃત્યુના અહેવાલો
પ્રાપ્ત વિગતો અનુસાર બસ જયપુરથી અજમેર જઈ રહી હતી. ઇકો કાર અજમેરથી જયપુર તરફ આવી રહી હતી. લોકોએ જણાવ્યું કે આ દરમિયાન બસનું ટાયર ફાટ્યું અને બસ નિયંત્રણ બહાર જતી રહી હતી. બસ કાબુ બહાર જતા તે ડિવાઈડર ઓળંગીને સામેની બાજુથી આવતી ઈકો કાર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કારને ખૂબ જ નુકસાન થયું છે. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર તમામ લોકોના મોત થયા હોવાના અહેવાલો છે.
પોલીસે ક્રેન બોલાવવી પડી
સ્થાનિક લોકોએ જણાવ્યું કે અકસ્માતની ઘટના બાદ કાર એટલી ખરાબ રીતે ફસાઈ ગઈ હતી કે બચાવ કામગિરી કરવા માટે પોલીસે ક્રેન બોલાવવી પડી હતી. ત્યારબાદ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ 8 લોકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે 14 જેટલા લોકોની હાલત ગંભીર છે, હાલ તેની સારવાર ચાલી રહી છે.
એક મૃતકની ઓળખ બાકી
અકસ્માતની ઘટનાની વિગતો મળ્યા બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં મદનલાલ રેગરના પુત્ર દિનેશ કુમાર, મદન મેવારાના પુત્ર બબલુ મેવારા, શ્રીજાનકી લાલના પુત્ર કિશન, મદનલાલના પુત્ર રવિકાંત, મદનલાલના પુત્ર બાબુ રેગર, બાદલિયાસ (ભીલવાડા) ના નારાયણ અને મુકુંદપુરિયા (ભીલવાડા) ના મૂળચંદના પુત્ર પ્રમોદ સુથારનો સમાવેશ થાય છે. મૃતકોમાંથી એકની ઓળખ હજુ સુધી થઈ નથી.