MahaKumbh: આજે 3.5 કરોડ શ્રદ્ધાળુએ કર્યું સ્નાન, ત્રિવેણીસંગમ ભગવા રંગે રંગાયો, વીડિયો વાઈરલ

પ્રયાગરાજઃ મહાકુંભના બીજા દિવસ દરમિયાન પ્રયાગરાજમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આજના મકર સંક્રાંતિના પહેલા અમૃત (શાહી) સ્નાનમાં કરોડો લોકોએ ભાગ લીધો હતો. આજના દિવસે જૂના અખાડા સહિત 13 અખાડાના સાધુ-સંતો સ્નાન કર્યું હતું, જેમાં અત્યાર સુધીમાં સાડા ત્રણ કરોડ લોકો સંગમસ્થળે સ્નાન કર્યું હતું. સાધુસંતો સહિત શ્રદ્ધાળુઓના જનસેલાબ પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા સાથે વધાવવામાં આવ્યા હતા.

શાહી સ્નાન કરીને લાખો ભક્તો પ્રયાગરાજ સ્ટેશન પાછા ફરવાનું શરુ કર્યું છે. જોકે, સુરક્ષાના કારણોસર રેલવે અને બસ સ્ટેશન પર લોકોની મોટી સંખ્યામાં ભીડ હોવાથી લોકોને રોકવામાં આવ્યા હતા. જ્યાં સુધી પ્લેટફોર્મ પર ટ્રેન આવે નહીં, ત્યાં સુધી પ્રવાસીઓને હોલમાં રોકવામાં આવ્યા હતા. કહેવાય છે કે આજના માટે મહાકુંભ નગર દુનિયાનો સૌથી મોટો જિલ્લો બની ગયો છે. એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં ક્યાંય ભીડ જોવા મળી નથી.
આ પણ વાંચો: Mahakumbh: નાગા સાધુઓએ પ્રથમ અમૃત સ્નાન કર્યું, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, જુઓ અદ્ભુત દ્રશ્યો…
મહાકુંભમાં દેશમાંથી જ નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં શ્રદ્ધાળુઓ આવ્યા છે. હાજર રહેનારા વિદેશી પર્યટકોએ પણ પોતાને ભાગ્યશાળી ગણાવીને ભારતીય સંસ્કૃતિથી મંત્રમુગ્ધ થયા હતા. આજે મહાકુંભમાં હાજર રહેનારા લોકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. વાઈરલ વીડિયોમાં સ્નાન કરવા માટે આગળ વધતા ભક્તોનું જાણે ઘોડાપુર આવ્યું હોય એમ જણાયું હતું. વીડિયોમાં ભક્તોની જનમેદનીનું સ્વરુપ અદ્વિતીય જણાયું હતું. ચારેબાજુ ભગવો રંગ અને આધ્યાત્મિક ઊર્જાનો ભંડાર જોવા મળ્યો હતો.

નાગા સાધુઓના 21 શણગારે આકર્ષણ જમાવ્યું

આજના અમૃત સ્નાન વખતે મહાદેવના માફક નાગા સાધુઓનો શણગાર શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. 21 શણગાર કરીને નાગા સાધુઓએ પહેલું અમૃત સ્નાન કર્યું હતું. મહાકુંભના પ્રથમ અમૃત સ્નાનમાં નાગા સાધુઓએ તેમના પ્રિય દેવ મહાદેવની જેમ નાગા દિવ્ય શણગાર કરતા દેશભરના ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
આદિયોગી શિવના રુપમાં કર્યો શણગાર

ત્રિવેણી સંગમના કિનારે આજે પહેલું અમૃત સ્નાન પુષ્ય અને પુનર્વસુ નક્ષત્રમાં શરૂ થયું હતું. પહેલા ભગવાન ગણેશની પૂજા કર્યા પછી નાગા સાધુઓએ આદિયોગી શિવના રૂપમાં પોતાનો શણગાર કર્યો હતો. નાગા સાધુઓએ શરીર પર ભસ્મ, ચંદન, પગમાં ચાંદીના કડાં, પંચકેશ એટલે કે જટાને પાંચ વખત વાળીને માથામાં લપેટવામાં આવેલી જટા, ફૂલોની માળા, હાથમાં ડમરુ, કમંડળ, કપાળ પર તિલક, આંખમાં સુરમા, અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરીને નાગા સાધુઓએ વહેલી સવારથી પ્રસ્થાન કર્યું હતું.
શણગાર ભગવાન મહાદેવ સાથે સંકળાયેલ છે

મહાનિર્વાણી અખાડા અને અન્નપૂર્ણા મંદિરના મહંત શંકર પુરીએ જણાવ્યું હતું કે માથાથી નખ સુધી શણગારની સાથે મનનો શણગાર પણ જરૂરી છે. નાગા સાધુઓ તેમના શરીર પર જે પણ શણગાર કરે છે તે તેમના આરાધ્ય દેવ મહાદેવ સાથે જોડાયેલો છે. નાગા સાધુઓ શરીર પર ભભૂત, ચંદનના તિલક અને રુદ્રાક્ષની માળા પહેરવા સાથે માથા પર તિલક લગાવવાની સાથે આંખોમાં સુરમો પણ લગાવવામાં આવ્યો હતો.
સૌથી વધુ જૂના અખાડામાં મહિલા નાગા સાધુ

મહાનિર્વાણી અખાડાના શંકરપુરી મહારાજે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મમાં પરિણીત મહિલા ૧૬ શણગાર કરે છે, પરંતુ નાગા સાધુઓ અમૃત સ્નાન માટે ૨૧ શણગાર કરે છે. આમાં શરીર તેમ જ મન અને વચનના શણગારનો પણ સમાવેશ થાય છે. આ શણગાર એટલે દેખાડો યા ડોળ કરવાનો હોત નથી, પરંતુ અંતરથી દિવ્ય અનુભૂતિ કરે છે. ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે 21 શણગાર કરીને નાગા સાધુઓ સંગમમાં ડૂબકી લગાવી હતી. અખાડામાં સામેલ મહિલા સંન્યાસીઓએ પણ અમૃત સ્નાન કર્યું હતું. જૂના અખાડામાં સૌથી વધુ મહિલા નાગા સાધુનો સમાવેશ થાય છે, એમ જણાવ્યું હતું.
કિન્નર અખાડા આકર્ષણનું કેન્દ્ર બન્યાં

મહાકુંભના પ્રથમ અમૃત સ્નાન વખતે કિન્નર અખાડા પણ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીના નેતૃત્વમાં કિન્નર અખાડાના તમામ સભ્યો બપોરે સંગમ તટે પહોંચ્યા અને અમૃત સ્નાન કર્યું હતું. આજના મકર સંક્રાંતિના તહેવાર પર કિન્નર અખાડાએ સમાજના કલ્યાણ અને પ્રગતિની કામના સાથે સ્નાન કર્યું હતું.