Mahakumbh: મૌની અમાવસ્યાના ‘અમૃત સ્નાન’ માટે ૧૦ કરોડ શ્રદ્ધાળુ પહોંચવાની શક્યતા
મહાકુંભ નગરઃ ઉત્તર પ્રદેશ સરકારે ૨૯ જાન્યુઆરીએ મહાકુંભમાં મૌની અમાવસ્યાના ‘અમૃત સ્નાન’ માટે ૧૦ કરોડ શ્રદ્ધાળુઓ પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી છે. જેને ધ્યાને લઇને ટ્રાફિક અને ભીડનું કુશળતાપૂર્વક સંચાલન કરવા માટે વિસ્તૃત પગલાં અમલમાં મૂકવામાં આવી રહ્યા છે.
કુંભમાં કરવામાં આવતી સૌથી મહત્વપૂર્ણ વિધિ સ્નાન વિધિ છે. મકરસંક્રાંતિથી શરૂ કરીને બધા દિવસોમાં પવિત્ર જળમાં સ્નાન કરવું પવિત્ર માનવામાં આવે છે. તેમ છતાં કેટલીક ખાસ શુભ તિથિઓ છે, જેને ‘અમૃત સ્નાન'( પહેલા શાહી સ્નાન તરીકે ઓળખવામાં આવતું હતું) તરીકે ઓખળવામાં આવે છે.
આ મુદ્દે આજે એક નિવેદનમાં સરકારે જણાવ્યું કે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે ભક્તો તે જ ક્ષેત્ર અથવા ઝોનમાંથી પાછા ફરે જ્યાં તેઓ પહોંચ્યા છે અને કોઇ પણ સંજોગોમાં ભક્તોને સંગમ નોઝ અથવા અન્ય ઝોનમાં જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
સરકારે જણાવ્યું કે તમામ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અધિક પોલીસ અધિક્ષક, સર્કલ ઓફિસર, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને સેક્ટર મેજિસ્ટ્રેટને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમના સંબંધિત અધિકાર ક્ષેત્રમાં વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
સરકારે કહ્યું કે મહાકુંભના સૌથી મહત્વપૂર્ણ તહેવાર તરીકે મૌની અમાવસ્યા કાર્યક્રમની વ્યવસ્થાનું કેન્દ્રબિંદુ છે. આ વર્ષે યોગી આદિત્યનાથ સરકારના મહાકુંભને વધુ ભવ્ય અને દિવ્ય બનાવવાના પ્રયાસોની સાથે પ્રયાગરાજમાં રેકોર્ડ સંખ્યામાં ભક્તો આવવાની અપેક્ષા છે.
સરકારે જણાવ્યું હતું કે યાત્રાળુઓની સુવિધાને પ્રાથમિકતા આપવા માટે ૨૭ થી ૨૯ જાન્યુઆરી સુધી ખાસ કરીને સંગમ નોઝ પર, વિવિધ વિસ્તારો વચ્ચે અવરજવર ઓછી કરવા સૂચનાઓ જારી કરવામાં આવી છે. સરળ પ્રવેશ અને સ્નાન માટે ૧૨ કિમી લાંબો ઘાટ બનાવવામાં આવ્યો છે.
ભક્તોને તેમના એન્ટ્રી પોઈન્ટ નજીકના ઘાટ પર સ્નાન કરવા અને અન્ય વિસ્તારોની મુલાકાત લીધા વિના ત્યાંથી પાછા ફરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. વહીવટતંત્રની ટોચની પ્રાથમિકતા તરીકે શ્રદ્ધાળુઓના સલામત સ્થળાંતર સાથે ઘાટો પર ભીડ ન થાય તે માટે સ્થળાંતર ટીમો તહેનાત કરવામાં આવશે.