મેઘાલય અને આસામ સહિત પૂર્વોત્તરના ભાગોમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ
આસામ અને મેઘાલયમાં સોમવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ મેઘાલયના નોર્થ ગારો હિલ્સમાં મપાયું હતું. આસામ અને મેઘાલય ઉપરાંત ત્રિપુરામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા, તો પશ્ચિમ બંગાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે ક્યાંયથી જાનમાલના નુકસાનના સમાચાર નથી.
ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ મુજબ સોમવારે સાંજે લગભગ 6.15 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 5.2ની હતી, ભૂકંપને પગલે કેટલાક લોકો ઘરની બહાર પણ આવી ગયા હતા. ગાંધી જયંતિની જાહેર રજાને પગલે લોકો ઘરમાં જ હતા. દાર્જિલિંગના પહાડોમાં પણ ભૂકંપ અનુભવાયો છે.
આ પહેલા રવિવારે પણ હરિયાણાના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રવિવારે રાત્રે 11:26 કલાકે 2.6ની તીવ્રતાનો ભૂકંપે હરિયાણાની ધરતી ધ્રુજાવી હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ રોહતકથી 7 કિમી દૂર દક્ષિણ-પૂર્વ દિશામાં મપાયું હતું.