માલદીવમાં પણ UPIનો જાદુ: સરકારના આ કદમથી ચીનની પડખેથી હટી ગયા મુઈઝ્ઝુ!
નવી દિલ્હી: હવે ભારતની UPI (યુનિફાઇડ પેમેન્ટ સિસ્ટમ) માલદીવમાં પણ ચાલશે. ચૂંટણી પ્રચાર દરમિયાન મોહમ્મદ મુઇઝ્ઝૂએ ભારત સામે ઝેર ઓકી ઓકીને ચૂંટણી પ્રચાર કર્યો હતો અને ચીનની પડખે જઈને ઉભા રહી ગયા હતા. જો કે હવે આ પરિસ્થિતિ ધીમે ધીમે ઠંડી પડી રહી છે. સતત વિવાદોમાં રહેલા બંને દેશના સબંધો વચ્ચે નફરતની ગાંઠ ખુલી ત્યારે માલદીવ ફરી ભારતનાં દ્વારે આવીને ઊભું રહ્યું છે.
બંને દેશો વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંબંધો સુધારવા માટે નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે માલદીવની તેમની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાત દરમિયાન યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) લાગુ કરવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જયશંકરે કહ્યું કે આ ડિજિટલ ઇનોવેશન માલદીવમાં પ્રવાસન અને આર્થિક વિકાસ પર સકારાત્મક અસર કરશે.
1988 થી ભારત અને માલદીવ વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સહયોગના મુખ્ય ક્ષેત્રો રહ્યા છે. માલદીવના સૈનિકોને ભારતીય સંરક્ષણ સંસ્થાઓમાં તાલીમ આપવામાં આવતી રહી છે. ભારત અને માલદીવ વચ્ચે એપ્રિલ 2016માં સમન્વયિત સંરક્ષણ ભાગીદારી અંગેના કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ભારતીય સૈન્યને પાછા ખેંચવાની માંગ કરી. આ બાદ બંને દેશોના સબંધોમાં ખટાશ આવી હતી.