કરુર દુર્ઘટના પર મદ્રાસ હાઈકોર્ટ લાલઘૂમ: વિજય થલપતિ અને પોલીસને ફટકાર, જાણો શું કહ્યું | મુંબઈ સમાચાર
નેશનલ

કરુર દુર્ઘટના પર મદ્રાસ હાઈકોર્ટ લાલઘૂમ: વિજય થલપતિ અને પોલીસને ફટકાર, જાણો શું કહ્યું

ચેન્નઈ: કરુર દુર્ઘટનાને એક અઠવાડિયું પૂરૂ થવા આવ્યું છે. અભિનેતામાંથી નેતા બનેલા વિજય થલપતિની રેલીમાં થયેલી નાસભાગના કારણે 41 લોકોનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટનાને લઈને મદ્રાસ હાઈ કોર્ટે વિજય થલપતિ અને પોલીસને ફટકાર લગાવી છે. તાજેતરમાં કરુર દુર્ઘટનાને લઈને થયેલી સુનાવણીમાં મદ્રાસ હાઈ કોર્ટે વિજય થલપતિ અને પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે.

પોલીસે હિટ એન્ડ રનની FIR કેમ ન નોંધી

મદ્રાસ હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ એન સેંથિલકુમારે સુનવાણી દરમિયાન જણાવ્યું કે, ડ્રાઈવર અને નેતા (વિજય) બંનેએ દુર્ઘટના જોઈ, પરંતુ તેઓ રોકાયા વગર ચાલ્યા ગયા. કોર્ટ પાર્ટી(TVK)ના આ વલણની નિંદ કરે છે. આ રીતે આયોજનની જવાબદારી લેનારી પાર્ટીએ સ્હેજપણ સંવેદના વ્યક્ત કરી નથી. આ નેતા અને પાર્ટીની માનસિક સ્થિતિ દર્શાવે છે.”

ન્યાયમૂર્તિ એન સેંથિલકુમારે વિજય થલપતિની સાથોસાથ પોલીસને પણ આડેહાથ લીધી હતી. ન્યાયમૂર્તિ એન સેંથિલકુમારે જણાવ્યું હતું કે, “બંને બાબતોમાં પોલીસે હિટ-એન્ડ-રનની કોઈ એફઆઈઆર દાખલ કરી નથી. કોર્ટ આ વાત પર દુ:ખ વ્યક્ત કરે છે. જો પીડિત દ્વારા પણ કોઈ ફરિયાદ નોંધાવવામાં નથી આવતી, તો પણ રાજ્ય સરકારની જવાબદારી છે કે, તે જાતે કેસ નોંધીને આરોપીઓને રેકોર્ડમાં લાવે અને તેની સામે કેસ ચલાવે.”

દુર્ઘટના બાદ નેતા અને આયોજકો ગાયબ થઈ ગયા

ન્યાયમૂર્તિ એન સેંથિલકુમારે આગળ જણાવ્યું કે, “આ દુર્ઘટના બાદ રાજનેતા કે તેના સમર્થકો ઘટનાસ્થળે હાજર રહ્યા ન હતા. રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, ગૃહ પ્રધાન, તમિલનાડુના મુખ્ય પ્રધાન અને વિપક્ષના નેતાએ આ દુર્ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો હતો. પરંતુ કોર્ટને એ સમજાતું નથી કે, રેલીનું આયોજન કરનારી રાજનીતિક પાર્ટી તરત ઘટનાસ્થળેથી ગુમ કેવી રીતે થઈ ગઈ. પોતાના અનુયાયીઓ અને પ્રશંસકોનો નિ:સહાય છોડીને તેના નેતાથી લઈને આયોજકો ગુમ થઈ ગયા. કોઈ પણ રાજકારણી અથવા સંગઠનના આવા બેજવાબદાર વર્તનને હળવાશથી લઈ શકાય નહીં. કોર્ટ તેના નાગરિકો પ્રત્યે જવાબદાર છે. આવી આગેવાનીના ગુણોનો રેકોર્ડ હોવો દુર્ભાગ્યપૂર્ણ છે.”

ઉલ્લેખનીય છે કે, મદ્રાસ હાઈ કોર્ટો નવી એસઓપી તૈયાર ન થાય ત્યાં સુધી રાજ્યમાં સ્ટેટ અને નેશનલ હાઈવે પર રાજનીતિક રેલી, રોડ શો અને આ પ્રકારના જાહેર કાર્યક્રમો કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. કરુર દુર્ઘટનાની તપાસ માટે પોલીસ મહાનિરીક્ષક (ઉત્તર) આસરા ગર્ગના નેતૃત્વમાં એક એસઆઈટીનું ગઠન કર્યું છે. કરુર પોલીસને દુર્ઘટનાના તમામ દસ્તાવેજો એસઆઈટીને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો…કરુર નાસભાગ મુદ્દે થલપતિ વિજયે મૌન તોડ્યુંઃ CM સ્ટાલિનને વીડિયો બનાવીને આપી ચેલેન્જ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button