
ભોપાલ: મધ્ય પ્રદેશના ભોપાલ, ઇન્દોર, જબલપુર અને ગ્વાલિયર શહેરોની હોસ્પિટલોમાં આંખના વિભાગના વોર્ડસ હાલ બાળ દર્દીઓથી ભરેલા છે, જેનું કારણ છે “કાર્બાઇડ ગન” તરીકે ઓળખાતી દેશી ફટાકડાની બંદૂક. અહેવાલ મુજબ દિવાળી દરમિયાન આ કાર્બાઇડ ગનને ફોડવાને કારણે મધ્ય પ્રદેશમાં 14 બાળકોએ દ્રષ્ટિ ગુમાવી છે.
દરેક દિવાળી દરમિયાન અવનવા ફટાકડાનો ટ્રેન્ડ ચાલતો હોય છે, આ વર્ષે મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં “કાર્બાઇડ ગન”નો ક્રેઝ શરુ થયો હતો. હાથ બનાવટની આ કાર્બાઇડ ગન બજારમાં 150 થી 200 રૂપિયાની કિંમતમાં મળતી હતી, પરંતુ તે બોમ્બની જેમ ફૂટતી હતી છે.
રાજ્ય સરકારે તેના પર 18 ઓક્ટોબરના રોજ પ્રતિબંધ મુક્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોટા પ્રમાણમાં વેચાણ થઇ ચુક્યું હતું. દિવાળી ઉજવવા માટે ઘરે લાવવામાં આવેલી આ કાર્બાઇડ ગન માતાપિતા માટે દુઃસ્વપ્ન બની ગઈ છે.

122 થી વધુ બાળકોને અસર:
અહેવાલ મુજબ માત્ર ત્રણ દિવસની અંદર મધ્યપ્રદેશમાં કાર્બાઇડ ગન ફૂટવાથી ઘાયલ થયેલા 122 થી વધુ બાળકોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમના આંખમાં ગંભીર ઈજાઓ થઇ છે. 14 બાળકોને તેમની દૃષ્ટિ ગુમાવી છે.
સૌથી વધુ કેસ વિદિશા જીલ્લામાં નોંધાયા છે. જીલ્લા પોલીસે કાર્બાઇડ ગન વેચતા છ લોકોની ધરપકડ કરી છે. ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં 72 કલાકમાં 26 બાળકોને દાખલ થયા છે.
ડોકટરોના જણાવ્યા મુજવ કેટલાક દર્દીઓ ICU માં સારવાર ચાલી રહી છે, કેટલાક દર્દીઓને દ્રષ્ટિ પરત નહીં મળી શકે.

કેવી રીતે બને છે કાર્બાઈડ ગન:
તંત્રએ ચેતવણી આપી છે કે આ કોઈ રમકડું નથી, પરંતુ એક ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક છે. PVC કે ટીન પાઇપનોમાં ગનપાઉડર, બાકસની સળીઓનો ઉપરનો ભાગ અને કેલ્શિયમ કાર્બાઇડ ભરવામાં આવે છે અને એક કાણામાંથી તેને પેટાવવામાં આવે છે. ધડાકો થતા જ્વાળા બહાર નીકળે છે અને ઝેરી ગેસ નીકળે છે. જે સીધો ચહેરા અને આંખોને સ્પર્શતા ગંભીર નુકશાન પહોંચાડે છે.