નેશનલ

મધ્ય પ્રદેશમાં ભાજપ નેતાએ ખેડૂતને ‘થાર’ કારથી કચડી નાખ્યો, દીકરીઓ પર પણ હુમલો

ભોપાલ: મધ્યપ્રદેશમાં ખેડૂતની હત્યા અને તેની દીકરીઓ પર હુમલો કરવાના આરોપસર ભાજપ નેતા અને તેના સાથીઓ પર કેસ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. અહેવાલ મુજબ ખેડૂત તેના ખેતર તરફ જઈ રહ્યો હતો, ત્યારે તેના ભજપ નેતાએ તેના સાથીઓ સાથે હુમલો કર્યો હતો, ત્યાર બાદ કાર વડે તેને કચડી નાખ્યો. પોલીસે FIR નોંધી તપાસ હાથ ધરી છે.

અહેવાલ મુજબ ભાજપ નેતા મહેન્દ્ર નાગર છેલ્લા ઘણાં સમયથી વિસ્તારના નાના ખેડૂતોને તેમની જમીન વેચવાની ધમકી આપી રહ્યો હતો, રામ સ્વરૂપ ધાકડે જમીન વેચવા ઇનકાર કરતા ભાજપ નેતાએ સાથીઓ સાથે મળીને હુમલો કર્યો હતો.

ખેડૂતને કાર વડે કચડ્યો:

અહેવાલ મુજબ આ ઘટનાં ફતેહગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ગણેશપુરા ગામમાં બની હતી. ખેડૂત રામ સ્વરૂપ ધાકડ જ્યારે તેની પત્ની સાથે ખેતર તરફ જઈ રહ્યો હતો, ત્યારે ભાજપ નેતા મહેન્દ્ર નાગર અને તેમના સાથીઓ તેમના પર લાકડીઓ અને સળિયાથી હુમલો કર્યો. ખેડૂતને ઢોર માર માર્યા બાદ ભજપ નેતાએ તેના પરથી થાર કાર ચલાવી દીધી.

દીકરીઓના કપડા ફાડી નાખ્યા:

બૂમો સાંભળી ખેડૂત રામ સ્વરૂપ ધાકડની દીકરીઓ મદદ માટે આવી ગઈ હતી, ત્યારે ભાજપ નેતાએ દીકરીઓ પર પણ હુમલો કર્યો હતો. ખેડૂતની દીકરીઓએ કહ્યું, “હું મારા પિતાની મદદે ગઈ, ત્યારે તેમણે મારા પર હુમલો કર્યો અને મારા કપડાં પણ ફાડી નાખ્યા. મારા પર ગોળીબાર પણ કરવામાં આવ્યો. મારી માતાએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે કાર મારા પિતા પર ચડાવી દીધી.”

મૃતક ખેડૂતના ભાઈના જણવ્યા મુજબ આરોપીઓએ લગભગ એક કલાક સુધી તેમને માર માર્યો, બંને છોકરીઓના કપડાં ફાડી નાખ્યા, લગભગ 20 લોકો હવામાં ગોળીબાર કરી રહ્યા હતા.

ઘાયલ ખેડૂતને હોસ્પિટલ ન લેવા જવા દેવામાં આવ્યો:

પોલીસના જણાવ્યા મુજબ ગામ લોકો મદદે આવ્યા પણ આરોપીઓએ ઘાયલ થઇ ગયેલા ખેડૂતને હોસ્પિટલ પણ ન લઇ જવા દીધો, આરોપીએ બંદૂક સાથે તેને ઘેરી લીધો હતો. આખરે જ્યારે ખેડૂતે લોહીલુહાણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, ત્યારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું.

ભાજપ નેતા મહેન્દ્ર નાગર, તેના પરિવારની ત્રણ મહિલાઓ અને 14 અન્ય લોકો સામે હત્યાના ગુના સાથે એફઆઈઆર નોંધાવી છે.

આ પણ વાંચો…તમારી દિવાળી, અમારા તો દીપક જ બુઝાઈ ગયા, મધ્ય પ્રદેશના આ પરિવારોના ઘરોમાં અંધારુ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button