વિધાનસભા ચૂંટણી: MPમાં ભાજપે ઉમેદવારની પાંચમી યાદી બહાર પાડી…
ભોપાલ: ભાજપે વિધાનસભા ચૂંટણી માટે મધ્ય પ્રદેશમાં ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. પાંચમી યાદી મુજબ 92 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. 20 ઓક્ટોબરે નવી દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારો અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બેઠક માટે મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ 20 ઓક્ટોબરે સાંજે દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર, પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા, સંગઠન પ્રધાન હિતાનંદ શર્મા પણ હતા. કોંગ્રેસની યાદી બહાર આવ્યા બાદ ભાજપે પાંચમી યાદી માટે ઘણી બેઠકો કરી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ ભાજપે ચાર યાદી બહાર પાડી જેમાં 136 ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે. મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને બુધનીથી ટિકિટ આપવામાં આવી છે. અગાઉ જાહેર કરેલી યાદીમાં પ્રથમ અને બીજી યાદીમાં 39-39 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપે કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્યના સમર્થકોને પણ તક આપી છે. પાર્ટીએ સિંધિયા સમર્થકો ઈમરતી દેવી, તુલસીરામ સિલાવત, રાજવર્ધન સિંહ દત્તીગાંવ, પ્રદ્યુમન સિંહ તોમર, ગોવિંદ સિંહ રાજપૂત, ડૉ. પ્રભુરામ ચૌધરી અને હરદીપ સિંહ ડાંગને ટિકિટ આપી છે.
હાઈ પ્રોફાઈલ સીટો વિશે વાત કરીએ તો ટીવી એક્ટર વિક્રમ મસ્તાલ કોંગ્રેસ તરફથી મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ સામે ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના જિલ્લા અધ્યક્ષ બંટી સાહુ છિંદવાડાથી પૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથની સામે ચૂંટણી લડી રહ્યા છે. ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાને દતિયાથી વિધાનસભા ચૂંટણીની ટિકિટ મળી છે. તેમની સામે રાજેન્દ્ર ભારતી ઊભા છે. કોંગ્રેસે ઈન્દોરથી ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની સામે વર્તમાન ધારાસભ્ય સંજય શુક્લા પર ફરી એકવાર વિશ્વાસ મૂક્યો છે.
એ જ રીતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હેમંત કટારે એટેર વિધાનસભાથી પ્રધાન અરવિંદ ભદૌરિયાનો સામનો કરી રહ્યા છે. અંબરીશ શર્મા લહર વિધાનસભા મતવિસ્તારથી વિપક્ષના નેતા ડો. ગોવિંદ સિંહ સામે ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ પ્રધાન લખનસિંહ સામે ભાજપના મોહનસિંહ રાઠોડ પોતાનું નસીબ અજમાવશે. કોંગ્રેસે કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ પટેલની સામે લખનસિંહ પટેલને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.
કોંગ્રેસે ફરી એકવાર વિપક્ષના પૂર્વ નેતા અજય સિંહને ચૂરહટથી ટિકિટ આપી છે. તેમની સામે ભાજપના ધારાસભ્ય શરતેન્દુ તિવારી ઊભા છે. જબલપુર પશ્ચિમમાં આ વખતે બીજેપીના વરિષ્ઠ સાંસદ રાકેશ સિંહનો મુકાબલો મધ્યપ્રદેશના પૂર્વ પ્રધાન તરુણ ભનોટ સાથે થવાનો છે. ભાજપે સતના વિધાનસભા બેઠક પરથી સાંસદ ગણેશ સિંહને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે ફરી એકવાર પોતાના ધારાસભ્ય સિદ્ધાર્થ કુશવાહાને તેમની સામે મેદાનમાં ઉતાર્યા છે.