ભારતમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા એમ.એસ.સ્વામીનાથનનું 98 વર્ષની વયે અવસાન
ભારતમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા અને દેશના જાણીતા કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનનું આજે નિધન થયું છે. તેમણે ચેન્નાઈમાં અંતિમ શ્વાસ લીધા. તેમનું 98 વર્ષની વયે અવસાન થયું. તેમને દેશમાં હરિયાળી ક્રાંતિના પિતા કહેવામાં આવે છે.
પ્રોફેસર સ્વામીનાથન એક પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક હતા.
ભારતમાં ઘઉં અને ચોખાની ઉચ્ચ ઉપજ આપતી જાતો પ્રસ્તુત કરવા અને આ જાતોને વધુ વિકસિત કરવાનો શ્રેય તેમના ફાળે જાય છે. તેમણે 1960ના દાયકામાં ભારતને દુષ્કાળથી બચાવવા અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા અમેરિકન વૈજ્ઞાનિક નોર્મન બોરલોગ સાથે કામ કર્યું હતું.
1987 માં પ્રોફેસર સ્વામીનાથનને પ્રથમ વિશ્વ ખાદ્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને અન્ય ઘણા પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવ્યા છે. તેમાં 1971માં પ્રતિષ્ઠિત રેમન મેગ્સેસે એવોર્ડ અને 1986માં વિજ્ઞાન માટે આલ્બર્ટ આઈન્સ્ટાઈન વર્લ્ડ પ્રાઈઝનો સમાવેશ થાય છે. પ્રોફેસર સ્વામીનાથનને ટાઇમ મેગેઝિન દ્વારા 20મી સદીના 20 સૌથી પ્રભાવશાળી એશિયન લોકોમાંના એક તરીકે નામ આપવામાં આવ્યું હતું.