ગાઝિયાબાદ (યુપી)ઃ શુક્રવારે એટલે કે આજે ગાઝિયાબાદ રેલ્વે સ્ટેશનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ ઝડપી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. રેપિડ ટ્રેનનું નામ ‘નમો ભારત’ રાખવામાં આવ્યું છે. ગુરુવારે જ દેશની પ્રથમ મિની બુલેટ ટ્રેન દિલ્હી-મેરઠ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) નામ આપવામાં આવ્યું હતું. હવે તે ‘નમો ભારત’ તરીકે ઓળખાશે. 21 ઓક્ટોબરે સવારે 6 વાગ્યાથી લોકો આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે.
આજે સવારે વડાપ્રધાન રેપિડએક્સ સ્ટેશન પહોંચ્યા હતા અને દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ રેપિડએક્સ મોડલ, રેપિડએક્સ એપ, મલ્ટીકાર્ડ લોન્ચ કર્યા હતા. તેમણે UPI દ્વારા ટિકિટ ખરીદી, પ્લેટફોર્મ પર ગયા અને RapidX ફ્લેગ ઓફ કર્યું હતું. વડાપ્રધાન રેપિડએક્સ ટ્રેનમાં દુહાઈ સુધી મુસાફરી કરશે. દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરના પ્રથમ તબક્કાનું ઉત્તર પ્રદેશના સાહિબાબાદ રેપિડએક્સ સ્ટેશન ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જ રેપિડએક્સ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી.
વડાપ્રધાન મોદી સાહિબાબાદ સ્ટેશનથી દુહાઈ સુધી રેપિડ રેલ દ્વારા આવવાના હોવાથી. આ સમયગાળા દરમિયાન રૂટ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. ડ્રોનથી સ્થળ પર નજર રાખવામાં આવી રહી છે. રેપિડએક્સના 17 કિલોમીટરના રૂટ પર અને શહેરભરના રસ્તાઓ પર પોલીસ, સેનાના જવાનો, NSG કમાન્ડો અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. લગભગ 5 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
વડાપ્રધાનની સુરક્ષામાં SPG પહેલું સર્કલ છે. આ પછી NSG, પછી પોલીસ કર્મચારીઓ છે. 50 ACP અને COને બહારથી ગાઝિયાબાદ બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સર્ચ સ્કવોડ, એન્ટી માઈન્સ, એન્ટી સેબોટેજ, જામર, એટીએસ, એસટીએફ, આઈબીના અધિકારીઓ પણ તૈનાત રાખવામાં આવ્યા છે. લગભગ 50 હજાર લોકો રેપિડ રેલના ઉદ્ઘાટનના સાક્ષી બન્યા છે.
નમો ભારત ટ્રેન હજી શરૂ થઇ નથી અને તેની સામે વિવાદ શરૂ થઇ ગયો છે. કૉંગ્રેસને લાગે છે કે પીએમ મોદીના નામ પરથી આ ટ્રેનનું નામ રાખવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતાઓએ પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS)ને નમો ભારત નામ આપવા બદલ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ X પર એક પોસ્ટમાં લખ્યું – તેમના (પીએમ મોદી)ના નર્સિસિઝમની કોઈ સીમા નથી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે X પર એક પોસ્ટમાં લખ્યું, નમો સ્ટેડિયમ પછી હવે નમો ટ્રેન. તેમના નર્સિસિઝમની કોઈ સીમા નથી.
કોંગ્રેસના નેતા પવન ખેડાએ X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે ભારત નામ શા માટે રાખવું જોઈએ? બસ, દેશનું નામ બદલીને નમો કરો અને કામ પૂરું થઈ જશે.