માસ્ટર ઓફ ફિલોસોફીનો કોર્સ હવે યુજીસીએ રદ કર્યો
નવી દિલ્હી: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે UGCએ આજે એક મોટી જાહેરાત કરી છે, જેમાં M.phil ની ડિગ્રીની માન્યતા રદ કરી દેવામાં આવી છે. માસ્ટર ઓફ ફિલોસોફી તરીકે ભણાવાતો 2 વર્ષનો ડિગ્રી કોર્સ હવે બંધ કરી દેવાશે. UGC દ્વારા આ અંગે એક પરિપત્ર જાહેર કરી તમામ કોલેજોને અનુરોધ કરવામાં આવ્યો છે કે એમ.ફિલ એ માન્યતા પ્રાપ્ત ડિગ્રી નથી, આથી ના તો કૉલેજોએ આ ડિગ્રીમાં પ્રવેશ માટે આમંત્રણ આપવું જોઈએ કે ના તો વિદ્યાર્થીઓએ આ અભ્યાસક્રમમાં પ્રવેશ લેવો જોઈએ.
UGCના ધ્યાનમાં આવ્યું હતું કે નવા શૈક્ષણિક વર્ષથી કેટલીક કોલેજોએ એમ.ફિલમાં પ્રવેશ માટે અરજીઓ મંગાવી હતી. આથી UGCએ આ અંગે હવે સ્પષ્ટતા કરી છે. આ ડિગ્રી આર્ટસ અને હ્યૂમેનિટીઝ, સાયન્સ, મેનેજમેન્ટ, સાયકોલોજી અને કોમર્સ વગેરેમાં લેવામાં આવે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં આ ડિગ્રી બંધ કરવાની ભલામણ કરવામાં આવી હતી. આખો અભ્યાસક્રમ આ વર્ષથી જ અમાન્ય જાહેર કરવામાં આવ્યો છે. UGC દ્વારા યુનિવર્સિટીઓને આ દિશામાં તાત્કાલિક પગલાં ભરવા અને આ કોર્સની પ્રવેશની લેવાની પ્રક્રિયા જો ચાલુ કરી દેવાઇ હોય તો તાત્કાલિક અસરથી બંધ કરવા વિનંતી કરવામાં આવી છે.
માસ્ટર ઓફ ફિલોસોફી એ બે વર્ષનો અનુસ્નાતક શૈક્ષણિક સંશોધન કાર્યક્રમ હતો જે પીએચડી માટે કામચલાઉ નોંધણી તરીકે પણ કામ કરતો હતો. જો કે હવે UGCની કલમ 14 મુજબ આવનારા સત્ર 2023-24થી કોઇપણ વિદ્યાર્થીને આ કોર્સમાં પ્રવેશ મળશે નહિ. વધુ સંબંધિત વિગતો માટે ઉમેદવારો UGCની અધિકૃત વેબસાઈટ ugc.gov.in પર જઈ શકે છે.