
નવી દિલ્હી: GST કાઉન્સિસની બેઠકમાં લક્ઝરી વસ્તુ પર 40 ટકાના નવા સ્લેબની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે બે ટેક્સ સ્લેબ 12 ટકા અને 28 ટકા સ્લેબ રિમુવ કરવામાં આવ્યા છે. એટલે કે સામાન્ય માણસની ખિસ્સા પરથી ભાર ઓછો કરવામાં આવ્યો છે. જેમાં નાની કાર અને દ્વિચક્રી વાહનો પર GST 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે, જ્યારે મધ્યમ અને મોટી કાર પર 40 ટકાનો નવો ટેક્સ સ્લેબ લાગુ થશે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર સમાચારો વહેતા થયા છે કે, લક્ઝરી કારનો 40 ટકાના સ્લેબમાં ઉમેરો કર્યા છતા સસ્તી થઈ છે. તો આપણે ઉદારહરણ સાથે જાણીએ કે કેવી રીતે આ કારની GST વધ્યા છતા કિંમતો ઘટી છે.
નવો ટેક્સ સ્લેબ
GST કાઉન્સિલે નક્કી કર્યું છે કે નાની કાર અને દ્વિચક્રી વાહનો પર ટેક્સ 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવે, જેનાથી આ વાહનોની કિંમતો નોંધપાત્ર રીતે ઘટશે. બીજી તરફ, મધ્યમ અને મોટી કાર, જેમાં 1200 સીસીથી વધુ પેટ્રોલ એન્જિન, 1500 સીસીથી વધુ ડીઝલ એન્જિન અથવા 4 મીટરથી લાંબી કારનો સમાવેશ થાય છે, તેના પર 40 ટકા GST લાગશે. આ નવા નિયમો 22 સપ્ટેમ્બર, 2025થી લાગુ થશે.
લક્ઝરી કારના ભાવ કેમ ઘટશે?
અગાઉ, 1200 સીસીથી વધુ પેટ્રોલ અથવા 1500 સીસીથી વધુ ડીઝલ એન્જિન અને 4 મીટરથી લાંબી કાર પર 28 ટકા GST ઉપરાંત 17-22 ટકા કમ્પેન્સેશન સેસ લાગતો હતો, જેનાથી કુલ ટેક્સ 45-50 ટકા સુધી પહોંચતો હતો. નવા નિયમો આવ્યા બાદ તેને સંપૂર્ણપણે હટાવી દેવાયો છે, અને હવે માત્ર 40 ટકા ફ્લેટ GST લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનાથી મોટી કાર, જેમ કે મર્સિડીઝ-બેન્ઝ, ઓડી, અને BMW જેવી લક્ઝરી કારની કિંમતો ઘટશે, જે ગ્રાહકો માટે લાભદાયી છે.
ઉદાહરણથી સમજો ભાવ ઘટાડો
જો કોઈ 15 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની મોટી પેટ્રોલ કે ડીઝલ કાર ખરીદે છે, તો નવા ટેક્સ નિયમોની અસર આ પ્રમાણે થશે:
(બંને ઉદાહરણ અલગ અલગ બોક્સ બનાવીને અપલોડ કરવા)
જૂનો ટેક્સ 45 ટકા હોય તો: બેઝ પ્રાઇસ = 15,00,000 ÷ 1.45 = ₹10,34,483.
નવો 40 ટકા ટેક્સ = 10,34,483 × 1.40 = ₹14,48,276.
બંને કિમતોની સરખામણી કરીએ તો લગભગ ₹51,724ની બચત થાય છે.
જૂનો ટેક્સ 50 ટકા હોય તો: બેઝ પ્રાઇસ = 15,00,000 ÷ 1.50 = ₹10,00,000.
નવો 40 ટકા ટેક્સ = 10,00,000 × 1.40 = ₹14,00,000.
એટલે લગભગ ₹1,00,000ની બચત થશે.
આ રીતે, નવા નિયમો હેઠળ મોટી કારની કિંમતો ₹50,000થી ₹1 લાખ સુધી ઘટી શકે છે.
ગ્રાહકો અને ઉદ્યોગ પર અસર
આ નવો ટેક્સ સ્લેબ ઓટોમોબાઇલ ઉદ્યોગ અને ગ્રાહકો માટે ફાયદાકારક સાબિત થશે. નાની કાર અને બાઇકની કિંમતો ઘટવાથી મધ્યમ વર્ગના લોકોને રાહત મળશે, જ્યારે મોટી અને લક્ઝરી કારની કિંમતોમાં ઘટાડો ઉચ્ચ વર્ગના ખરીદનારાઓને આકર્ષશે. સેસ હટાવવાથી ઓટોમોબાઇલ ક્ષેત્રમાં વેચાણ વધવાની આશા છે, જે આર્થિક વૃદ્ધિને વેગ આપશે. સોશિયલ મીડિયા પર ફેલાયેલા ભ્રમને દૂર કરીને, આ નિર્ણયથી તમામ પ્રકારની ગાડીઓના ખરીદનારાઓને લાભ થશે.
આપણ વાંચો: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મહારાષ્ટ્રિયન કે ગુજરાતીઃ આ બે નામની ચર્ચા છે જોરમાં