લુધિયાણામાં એક ઘરમાં બ્લાસ્ટ થતા 15થી વધારે લોકો દાઝ્યા, સ્થાનિકોએ જણાવી વિસ્ફોટની હકીકત

લુધિયાણાઃ પંજાબના લુધિયાણામાં એક ઘરમાં બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. અહીં ઘરમાં રાખેલા ફટાકડાઓમાં બ્લાસ્ટ થતા 10થી વધારે લોકો દાઝ્યા છે. બ્લાસ્ટ થતાના સાથે જ ઘરમાં આગ લાગી ગઈ હતી. જેના કારણે ઘરમાં રાખેલો સામાન પણ બળીને ખાક થઈ ગયો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, આ ઘરમાં ફટાકડા બનાવવાનો ગનપાઉડર પણ રાખવામાં આવ્યો હતો અને તેમાંથી ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જ્યારે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
કયાં કારણોસર આ ઘરમાં બ્લાસ્ટ થયો?
મળતી જાણકારી પ્રમાણે જે ઘરમાં ફટાકડાંઓ રાખવામાં આવેલા હતા ત્યાં વીજળીમાં શોર્ટ સર્કિટના કારણે મોટો વિસ્ફોટ થયો હતો. સ્થાનિકોના કહ્યાં પ્રમાણે, ઘરમાં ગનપાઉડરનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આવી ઘટના પહેલાં ક્યારેય બની ન હતી, પરંતુ આજે એક બાળકે તણખા સળગાવી દીધા, જેના કારણે ગનપાઉડર ફૂટ્યો. અમે અંદર રહેલા લોકોને બહાર કાઢ્યા અને તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યાં હતાં.
આ પણ વાંચો: સુરતમાં ગેસ-સિલિન્ડરમાં બ્લાસ્ટ; આગને કાબૂમાં લેવા જતા બે ફાયર જવાનો દાઝ્યા, હાલત ગંભીર
આ ઘટનામાં 14થી 15 લોકો ઘાયલ થયા
એડીસીપી સમીર વર્માએ કહ્યું કે, આ બ્લાસ્ટ વિશે જાણકારી મળી હતી. સૂચના મળતા જ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. જે ઘરમાં બ્લાસ્ટ થયો ત્યાં પોટાશ રાખવામાં આવ્યો હતો. આ ઘટનામાં 14થી 15 લોકો ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. અત્યારે પોલીસ દ્વારા અન્ય મકાનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે કહ્યું કે, ‘આ વિસ્તારની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જો કોઈએ અનધિકૃત રીતે ફટાકડાનો સંગ્રહ કર્યો હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે’.
પાંચ લોકોના ચહેરા ગંભીર રીતે દાઝી ગયા
વધારે વિગતે વાત કરવામાં આવે તો, સિવિલ હોસ્પિટલના એસએમઓ ડૉ.અખિલ સરીને જણાવ્યું હતું કે, કુલ આઠ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બધાને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. અકસ્માતમાં પાંચ લોકોના ચહેરા ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેમને ઉચ્ચ કેન્દ્રમાં રિફર કરવામાં આવી રહ્યા છે. બાકીના લોકોની આ જ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.