નેશનલ

લુધિયાણા પશ્ચિમ પેટાચૂંટણી AAP માટે ‘કરો યા મરો’ જંગ! જાણો શું છે કારણ…

લુધિયાણા: ભારતીય ચૂંટણી પંચે રવિવારે ચાર રાજ્યોની વિધાનસભા માટે પેટાચૂંટણીઓ(Assembly by election)ની જાહેરાત કરી. ગુજરાતની બે, કેરળની એક, પશ્ચિમ બંગાળની એક અને પંજાબની એક બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. જેમાં સૌથી વધુ ચર્ચા પંજાબના લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક (Ludhiana West assembly seat))ની પેટાચૂંટણી અંગે થઇ રહી છે, જ્યાં 19 જૂનના રોજ મતદાન યોજવાનું છે. રાજ્યમાં સત્તા પર રહેલો પક્ષ આમ આદમી પાર્ટી(AAP)આ બેઠક જીતવા માટે પૂરી તાકાત લગાવી રહી છે. લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક જીતવી આપ માટે મહત્વનું છે, કારણ કે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જો AAP આ બેઠક જીતશે, તો પાર્ટી તેના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને રાજ્યસભામાં મોકલી શકશે.

કેજરીવાલે ચૂંટણી પ્રચાર શરુ કરાવ્યો
AAP વિધાનસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીના નિધન બાદ લુધિયાણા પશ્ચિમ બેઠક ખાલી પડી હતી. રાજકીય પક્ષોએ પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, જો કે પ્રચાર ઘણા સમયથી ચાલુ થઇ ગયો હતો. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા, AAP સુપ્રીમો અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આગામી વિધાનસભા પેટાચૂંટણી માટે પાર્ટીના પ્રચારની શરૂઆત કરી હતી. કેજરીવાલનું ચૂંટણી પ્રચારમાં સામેલ થવું દર્શાવે છે કે આ ચૂંટણી AAP માટે કેટલી મહત્વની છે.

આ ઉમેદવારો વચ્ચે જામશે જંગ:
AAPએ રાજ્યસભાના સભ્ય અને ઉદ્યોગપતિ સંજીવ અરોરાને ઉમેદવાર બનાવ્યા છે, તેઓ સામાજિક કાર્યકર પણ છે. કોંગ્રેસે પંજાબના ભૂતપૂર્વ પ્રધાન અને બે વખતના વિધાનસભ્ય ભારત ભૂષણ આશુને મેદાનમાં ઉતાર્યા છે, તેઓ હાલમાં પંજાબ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે. શિરોમણી અકાલી દળે વરિષ્ઠ વકીલ પરુપકાર સિંહ ખુમાણને પોતાના ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે. જ્યારે ભાજપે હજુ સુધી પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી.

ગયા વર્ષની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના અમરિંદર રાજા વારિંગે લુધિયાણા લોકસભા બેઠક પર જીત મેળવી હતી, AAPના અશોક પરાશર ઉર્ફે પપ્પી ત્રીજા સ્થાને રહ્યા હતા. ભાજપના રવનીત સિંહ ઉર્ફે બિટ્ટુ બીજા ક્રમે રહ્યા હતાં. લુધિયાણા લોકસભા મતવિસ્તાર હેઠળના નવ વિધાનસભા ક્ષેત્રો આવે છે, જેમાં લુધિયાણા પશ્ચિમનો પણ સમાવેશ થાય છે.

આપણ વાંચો : AAP સરકારે આચર્યુ હતું રૂ.2000 કરોડનું ક્લાસરૂમ કૌભાંડ! આ દિગ્ગજ નેતાઓ સામે કેસ નોંધાયો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button