Lucknow વિધાનસભા બહાર યુવકે ખુદને લગાડી આગ , 50 ટકા દાઝતા હોસ્પિટલમાં દાખલ કરાયો

લખનૌ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી(Lucknow)એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં એક વ્યક્તિએ વિધાનસભાની બહાર આગ લગાડીને આત્મ દાહ કરવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન આ વ્યક્તિ લગભગ 50 ટકા દાઝી ગયો હતો. પોલીસે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. આ વ્યક્તિની ઓળખ મુન્ના વિશ્વકર્મા તરીકે થઈ છે.
શું છે સમગ્ર મામલો?
આજે બપોરે લગભગ 3:15 વાગ્યે, મુન્ના વિશ્વકર્મા નામના વ્યક્તિએ વિધાનસભા માર્ગમાં આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની માહિતી મળતાની સાથે જ આત્મદાહ વિરોધી ટુકડીએ તાત્કાલિક કાર્યવાહી કરી અને તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. વ્યક્તિ પ્રાથમિક તપાસમાં અંદાજે 50 ટકા બળી જવાની પુષ્ટિ થઈ છે.
મુન્ના વિશ્વકર્માનો બંગાળ ટેન્ટ હાઉસના રણજીત ચક્રવર્તી સાથે પૈસાની લેવડ-દેવડને લઈને વિવાદ થયો હતો. જેના કારણે તેણે આ પગલું ભર્યું હતું. આ આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આલમબાગ પોલીસ સ્ટેશન દ્વારા પૂછપરછ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Tirupati laddu વિવાદ બાદ લખનૌના આ મંદિરમાં બહારથી લવાતા પ્રસાદ પર પ્રતિબંધ
પોલીસ નિવેદન બહાર આવ્યું છે
આ મામલે DCP સેન્ટ્રલ રવિના ત્યાગીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે મુન્ના વિશ્વકર્મા નામના 40 વર્ષના વ્યક્તિએ આત્મ હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. તે પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ ઠાલવતા સ્થળ પર આવ્યો હતો. તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની સારવાર ચાલી રહી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર તે 50 ટકા દાઝી ગયો છે. વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી
મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મુન્ના પાસે તેના બાળકોની ફી ભરવા માટે પૈસા નહોતા. જેના કારણે તે મુશ્કેલીમાં હતો. બીજી તરફ તે જ્યાં કામ કરતો હતો ત્યાં તેના બોસ તેને પૈસા આપતા ન હતા, જેના કારણે વિવાદ ચાલી રહ્યો હતો. તેણે પોલીસની મદદ પણ માંગી હતી, પરંતુ અનેક વખત પોલીસનો સંપર્ક કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તેણે આત્મ વિલોપનનું પગલું ભર્યું હતું. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.