ગુડ ન્યૂઝ! નવેમ્બરની શરૂઆતમાં જ ઘટયા LPG સિલિન્ડરના ભાવ! જાણો કેટલું સસ્તું થયું? | મુંબઈ સમાચાર
Top Newsનેશનલ

ગુડ ન્યૂઝ! નવેમ્બરની શરૂઆતમાં જ ઘટયા LPG સિલિન્ડરના ભાવ! જાણો કેટલું સસ્તું થયું?

નવી દિલ્હી: દેશભરમાં નવેમ્બર મહિનાની શરૂઆત સાથે જ સામાન્ય જનતા અને ખાસ કરીને નાના વેપારીઓ માટે આંશિક રાહતના સમાચાર આવ્યા છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા ૧ નવેમ્બરથી ૧૯ કિલોગ્રામ વજનના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, ઘરેલુ ઉપયોગ માટેના ૧૪.૨ કિલોગ્રામ LPG સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે કે ઘરના રસોડાના બજેટમાં હાલ કોઈ મોટી રાહત નહીં મળે.

ગયા મહિને એટલે કે ઓક્ટોબરમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવોમાં આશરે ૧૫ રૂપિયાનો વધારો થયો હતો, જેના કારણે હોટલ, રેસ્ટોરન્ટ અને નાના કારોબારીઓ પર મોંઘવારીનો બોજ વધ્યો હતો. પરંતુ નવેમ્બરની શરૂઆતમાં સરકારે ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવોમાં ૪.૫ રૂપિયાથી લઈને ૬.૫ રૂપિયા સુધીનો ઘટાડો કરીને થોડીક રાહત આપી છે.

ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ મુજબ, દેશની રાજધાની દિલ્હીમાં ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ હવે ઘટીને ૧૫૯૦.૫૦ રૂપિયા થઈ ગયો છે. આ કિંમત ગયા મહિનાના ૧૫૯૫.૫૦ રૂપિયાની સરખામણીમાં ૫ રૂપિયા ઓછી છે.

આ ઘટાડામાં કોલકાતામાં સૌથી વધુ રાહત આપવામાં આવી છે. કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવોમાં સૌથી વધુ ૬.૫ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે અહીં ૧૯ કિલોનો સિલિન્ડર ૧૬૯૪ રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે ઓક્ટોબરમાં તેનો દર ૧૭૦૦.૫૦ રૂપિયા હતો.

અન્ય મહાનગરોની વાત કરીએ તો, મુંબઈમાં ૧૯ કિલો LPG સિલિન્ડરનો નવો ભાવ ૧૫૪૨ રૂપિયા થયો છે, જે ગયા મહિના કરતાં ૫ રૂપિયા ઓછો છે. જ્યારે ચેન્નાઈમાં તેની કિંમત ૧૭૫૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે, જે ઓક્ટોબરની તુલનામાં ૪.૫ રૂપિયા ઓછી છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button