વાવાઝોડાં ‘તેજ’ના તરખાટની આગાહી, મુંબઇ-ગુજરાતમાં મચાવશે ધમાલ?
‘બિપોરજોય’ બાદ ફરીવાર એક વાવાઝોડું તરખાટ મચાવવા આવી રહ્યું છે. આ વાવાઝોડાંને ‘તેજ’ નામ આપવામાં આવ્યું છે. વેરાવળથી 998 કિલોમીટર દૂર અરબ સાગરમાં લો પ્રેશર સર્જાયું છે, જો આ પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થાય તો તે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે અને તેની સંભવિત અસરો ભારતના પશ્ચિમ કિનારા પર જોવા મળશે. એટલે કે મુંબઇ અને ગુજરાતમાં તેની અસર જોવા મળે તેવી સંભાવનાઓ નકારી શકાય નહિ.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ રાજ્યના હવામાન ખાતાએ આપેલી માહિતી અનુસાર અરબી સમુદ્રનું લો પ્રેશર આગામી 21 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર ડિપ્રેશનમાં પરિવર્તિત થાય તેવી શક્યતાઓ છે. જો કે ગુજરાતમાં હવામાન વિભાગે આવનારા 4-5 દિવસો સુધી કોઇ વરસાદની આગાહી કરી નથી. પરંતુ માછીમારોને 23 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવાની સૂચનાઓ અપાઇ છે. માછીમારો સહિત દ્વારકામાં બોટ ધરાવતા લોકોને પણ દરિયાકિનારે ન જવા ચેતવણી આપવામાં આવી છે.
વાવાઝોડાની અસર ક્યાં વર્તાશે, ગુજરાત, મુંબઇ ક્યાં વરસાદ આવશે આ બધા પ્રશ્નોના જવાબ મળવામાં થોડો સમય લાગશે. આગામી 48 કલાકની અંદર જો અરબ સાગરનું લો પ્રેશર ડીપ ડિપ્રેશનમાં ફેરવાય ત્યારે જ સ્થિતિ સ્પષ્ટ થશે. જો તેજ વાવાઝોડું ઊભું થાય તો 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હાલ વાવાઝોડાનો સમુદ્રમાં જે વિસ્તાર છે તે 3.1 કિમીનો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાનવિભાગે દેશના પશ્ચિમ-દક્ષિણ પ્રદેશમાંથી ચોમાસાની જાવકની માહિતી આપી છે. પણ સાથે સાથે અરબ સાગરના દબાણની પણ અપડેટ આપી છે.