‘ED’ને લાગી લોટરીઃ મુંબઈમાં 362 કરોડના પ્લોટની ફાળવણી

મુંબઈ: દેશમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)નો વ્યાપ વધતો જાય છે અને ભ્રષ્ટાચાર નાથવા માટે ઇડી પોતાનો વિસ્તાર પણ વિવિધ રાજકીય પક્ષો અને નેતાઓ પર કસી રહી છે ત્યારે મુંબઈમાં ઇડીને કાયમી ધોરણે ઑફિસ પણ ટૂંક સમયમાં મળશે અને તે પણ મુંબઈના બિઝનેસ હબ ગણાતા પ્રાઇમ લોકેશન પર.
ઇડીની ઑફિસ માટે બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં અધધ રૂપિયા 362 કરોડ રૂપિયાના પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. બીકેસીમાં વિવિધ કમર્શિયલ ઓફિસ સહિત બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ છે. હાલમાં ઇડી વરલીના બૅલાર્ડ એસ્ટેટમાં ઑફિસ ધરાવે છે, જેમાં ગેંગસ્ટર ઇકબાલ મિરચીની હસ્તગત કરાયેલી પ્રોપર્ટીનો પણ સમાવેશ થાય છે.
જોકે, હવે મુંબઈમાં પોતાની ઑફિસ બનતા ઇડીનું કામ અત્યંત સરળ થઇ જશે. દિલ્હીથી મુંબઈ એમ પ્રવાસ કરવાની જરૂર ન પડતા મુંબઈ ખાતેના ઓપરેશન્સ પાર પાડવામાં સરળતા રહેશે, સમય બચશે તેમ જ ગુપ્તતા પણ જળવાઇ રહેશે, જેથી ઇડીની કોઇ પણ કાર્યવાહી વિશે અન્ય કોઇને અગાઉથી જાણ નહીં થાય અને ઇડી સફળતાપૂર્વક પોતાની કાર્યવાહી પાર પાડી શકશે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ) દ્વારા અડધા એકરના 10,500 સ્ક્વેર મીટરના પ્લોટના બિલ્ટ અપ એરિયા માટે ઇડી પાસેથી 3.4 લાખ રૂપિયા પ્રતિ સ્ક્વેર મીટરનો દર વસૂલવામાં આવશે. આ પ્લોટ ઇડીને 80 વર્ષ માટે લીઝ પર આપવામાં આવ્યો છે.
એપ્રિલ 2022માં ઇડીએ મુંબઈમાં પોતાની ઑફિસ માટે જગ્યા ફાળવવાની અરજી એમએમઆરડીએને કરી હતી, જે 30 મે, 2023માં મંજૂર કરાઇ હતી. હવે તમારી જાણ ખાતર જણાવી દઇએ કે ઇડીની પાંચ મુખ્ય રિજનલ ઑફિસ મુંબઈ, કોલકતા, દિલ્હી, ચેન્નઇ અને ચંદિગઢમાં આવેલી છે. જ્યારે ઝોનલ ઑફિસ પુણે, બેંગલુરુ, ચેન્નઇ, ચંદિગઢ, કોચી, દિલ્હી, પણજી, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જલંધર, કોલકતા, લખનઉ, મુંબઈ, પટના અને શ્રીનગરમાં આવેલી છે.