લોર્ડ મેઘનાથ દેસાઈનું લંડનમાં 85 વર્ષની વયે નિધન, જાણો શું હતું ગુજરાત કનેકશન | મુંબઈ સમાચાર

લોર્ડ મેઘનાથ દેસાઈનું લંડનમાં 85 વર્ષની વયે નિધન, જાણો શું હતું ગુજરાત કનેકશન

લોર્ડ મેઘનાથ દેસાઈના નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો

લંડન/વડોદરાઃ જાણીતા અર્થશાસ્ત્રી અને હઉસ ઑફ લોર્ડ્સના સભ્ય મેઘનાથ દેસાઈનું મંગળવારે 85 વર્ષની વયે લંડનમાં અવસાન થયું હતું. તેમનો જન્મ ગુજરાતના વડોદરામાં થયો હતો. દેસાઈ લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સ (એલએસઈ)માં અર્થશાસ્ત્રમાં અમેરિટ્સ પ્રોફેસર હતા. જ્યાં તેમણે 1965 થી 2003 સુધી વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા.

તેમણે બોમ્બે યુનિવર્સિટી (હવે મુંબઈ) માંથી માસ્ટર ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમને 1960 માં યુનિવર્સિટી ઑફ પેન્સિલ્વેનિયામાં અભ્યાસ કરવાની તક મળી. ત્યાં તેમણે ત્રણ વર્ષ પછી પીએચડી પૂરી કરી. તેમને 30 એપ્રિલ, 1991 ના રોજ લૉર્ડ દેસાઈ ઑફ સેન્ટ ક્લેમેન્ટ ડેન્સ બનાવવામાં આવ્યા હતા. એલએસઈના પ્રોફેસર, લેબર રાજનેતા અને નેશનલ સેક્યુલર સોસાયટીના માનદ સહયોગી તરીકે દેસાઈનો બ્રિટનના શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રોમાં ખૂબ પ્રભાવ રહ્યો હતો.

પીએમ મોદીએ વ્ચક્ત કર્યો શોકે

લોર્ડ મેઘનાથ દેસાઈના નિધન પર પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, જાણીતા ચિંતક, લેખક અને અર્થશાસ્ત્રી મેઘનાદ દેસાઈના નિધનથી વ્યથિત છું. તેઓ હંમેશા ભારત અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહ્યા. તેમણે ભારત-યુકે સંબંધોને ગાઢ બનાવવામાં પણ ભૂમિકા ભજવી હતી તેમની સાથે થયેલી ચર્ચાઓને હું પ્રેમથી યાદ કરીશ. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.

1992માં દેસાઈએ એલએસઈ (LSE)માં સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ગ્લોબલ ગવર્નન્સની સ્થાપના કરી. 1990 થી 1995 સુધી તેઓ એલએસઈના ડેવલપમેન્ટ સ્ટડીઝ ઇન્સ્ટિટ્યૂટના નિદેશક અને સંસ્થાપક સભ્ય હતા. દેસાઈનું સંશોધન 50 વર્ષથી વધુ સમય સુધી ચાલ્યું. તેમણે ખાનગી ક્ષેત્ર અને રાજ્યના વિકાસ તથા માર્ક્સવાદી અર્થશાસ્ત્ર પર પ્રભાવ સંબંધિત વિષયો પર કામ કર્યું હતું. આમાં વૈશ્વિકીકરણ અને બજાર ઉદારીકરણનો સમાવેશ થતો હતો.

શિક્ષણ અને રાજકારણમાં અનોખું યોગદાન

મેઘનાદ દેસાઈ જાણીતા અર્થશાસ્ત્રી હતા. તેમણે શિક્ષણ અને રાજકારણમાં ઘણું યોગદાન આપ્યું હતું. મેઘનાદ દેસાઈએ 20થી વધુ પુસ્તકો અને 200થી વધુ શૈક્ષણિક લેખો લખ્યા હતા.. તેમણે ભારતીય મહાકાવ્યો, જેમ કે ભગવદ્ ગીતા અને મહાભારત, પર પણ તેમના અનોખા દૃષ્ટિકોણ સાથે પુસ્તકો લખ્યા હતો.

આપણ વાંચો:  ભારતીય નર્સ નિમિષા પ્રિયાની રદ થયેલી સજા પર ‘સંકટ’: પીડિત પરિવારે ફાંસીની માંગ કરી

2008માં પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવ્યો

2004માં તેમને ભારતીય પ્રવાસી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 2008માં તેમને ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો. મેઘનાદ દેસાઈ એક બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિત્વ હતા, જેમણે અર્થશાસ્ત્ર, રાજકારણ અને સાહિત્યના ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેઓ વૈશ્વિક મુદ્દાઓ અને ભારતીય પરિપ્રેક્ષ્ય બંને પર ઊંડી સમજ ધરાવતા હતા.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button