ઉત્તરાખંડ હિંસાના માસ્ટરમાઇન્ડ અને તેના દીકરા વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જાહેર
દેહરાદૂનઃ ઉત્તરાખંડના હલ્દ્વાનીની હિંસા કેસમાં પોલીસે મુખ્ય આરોપી અને તેના પુત્ર વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જાહેર કરી છે. હલ્દ્વાનીની હિંસા કેસના માસ્ટરમાઇન્ડ અબ્દુલ મલિક અને તેના પુત્ર અબ્દુલ મોઈદ વિરુદ્ધ હિંસા ફેલાવવા બદલ આ લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. હિંસાના કિસ્સામાં અત્યાર સુધીમાં 42 લોકોની ધરપકડ કરવામાં આવી છે, એમ પોલીસ પ્રશાસને જણાવ્યું હતું.
પોલીસે શુક્રવારે કહ્યું હતું કે લૂકઆઉટ નોટિસ જાહેર કરવા ઉપરાંત વધુ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આઠમી ફેબ્રુઆરીએ શહેરમાં એક ગેરકાયદે મદરેસાને તોડી પાડવાની કાર્યવાહી બાદ સ્થાનિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને અનેક વાહનોમાં આગચંપી કરી હતી.
મળતી માહિતી મુજબ, આ હિંસાના માસ્ટર માઈન્ડ અબ્દુલ મલિકે આ ગેરકાયદેસર મદરેસા બનાવ્યું હતું અને તેને તોડી પાડવાનો વિરોધ કર્યો હતો. હિંસા બાદ બનભૂલપુરા વિસ્તારમાં શુક્રવારે કર્ફ્યૂમાં કેટલીક છૂટ આપવામાં આવી હતી.
જો કે આ વિસ્તારમાં આઠમા દિવસે પણ ઈન્ટરનેટ સેવા બંધ રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ હિંસામાં છ લોકોના મોત થયા છે. પોલીસકર્મીઓ અને મીડિયાકર્મીઓ સહિત 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.