Loksabha Election: રાષ્ટ્રપતિને ચૂંટણીની તારીખોનું નોટિફિકેશન મંજૂરી માટે ભલામણ કરી
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)ને લઇને કેન્દ્ર સરકારે રવિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ચૂંટણી પંચની ભલામણ મોકલીને સાત તબક્કાની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
ચૂંટણી પંચની ભલામણ અનુસાર 19 એપ્રિલે 102 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થશે, જેના માટે પ્રથમ નોટિફિકેશન 20 માર્ચે બહાર પાડવામાં આવશે. નોટિફિકેશન જાહેર થયા બાદ કોઇ વિશેષ તબક્કા માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ થાય છે.
ચૂંટણી પંચ દ્વારા શનિવારે જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર 18મી લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે અને ત્યાર બાદ 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂને ચૂંટણી થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે સવારે કેબિનેટની બેઠકમાં રાષ્ટ્રપતિને વિવિધ તબક્કાઓ માટે નોટિફિકેશન જાહેર કરવાની ભલામણ કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવા ચૂંટણી પંચ ફરજિયાતપણે કેન્દ્રીય કાયદા મંત્રાલયને ભલામણ મોકલે છે.
ચૂંટણી પંચ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 14(2) હેઠળ ચૂંટણી પંચ સરકારને પોતાની ભલામણ મોકલે છે જે રાષ્ટ્રપતિને ચૂંટણીની તારીખોનું નોટિફિકેશનની મંજૂરી આપવાની વિનંતી કરે છે.
ચૂંટણી પંચની ભલામણના આધારે, કાયદા મંત્રાલય કેન્દ્રીય કેબિનેટ માટે એક પ્રસ્તાવ તૈયાર કરે છે, જે વિવિધ તબક્કાઓ માટે નોટિફિકેશન જાહેર કરવાની મંજૂરી માટે રાષ્ટ્રપતિને ભલામણ કરે છે.