Loksabha Election 2024 : પાંચમા તબક્કામાં મતદાનના આંકડા ચૂંટણી પંચે જાહેર કર્યા, જાણો કયા કેટલું મતદાન થયું
નવી દિલ્હી : ભારતમાં લોકસભા ચૂંટણી 2024(Loksabha Election 2024) હવે થોડા દિવસોમાં સમાપ્ત થશે. જેમાં સોમવાર 20 મે ના રોજ પાંચમા તબક્કાનું મતદાન(Voting) થયું હતું. આ તબક્કામાં દેશના 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 49 બેઠકો પર મતદાન થયું છે. ચૂંટણી પંચે (Election Commission) મોડી રાત્રે માહિતી આપી છે કે પાંચમા તબક્કામાં સરેરાશ 60.09 ટકા મતદાન થયું છે. જો કે આ આંકડા હજુ પણ અંદાજિત છે. ચૂંટણી પંચ થોડા દિવસોમાં સંપૂર્ણ આંકડા જાહેર કરશે.
ક્યાં અને કેટલું મતદાન થયું?
લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં બિહારની 5 બેઠકો પર 54.85 ટકા, જમ્મુ-કાશ્મીરની 1 બેઠક પર 56.73 ટકા, ઝારખંડની 3 બેઠકો પર 63.07 ટકા, લદ્દાખની 1 બેઠક પર 69.62 ટકા, મહારાષ્ટ્રની 13 બેઠકો પર 54.29 ટકા મતદાન થયું છે. ઓડિસાની 5 બેઠકો પર 67.59 ટકા, પશ્ચિમ બંગાળની 7 બેઠકો પર 74.65 ટકા અને ઉત્તર પ્રદેશની 14 બેઠકો પર 57.79 ટકા મતદાન થયું હતું. એટલે કે ફરી એકવાર પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન થયું.
ચૂંટણી પંચે શું કહ્યું?
ચૂંટણી પંચે કહ્યું છે કે ચૂંટણીના પાંચમા તબક્કામાં રાત્રે 11.30 વાગ્યા સુધીમળેલી માહિતી મુજબ 60.09 ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચે કહ્યું કે આ ડેટા હજુ અંદાજિત છે. જે ડેટા શેર કરવામાં આવ્યો છે તે ફિલ્ડ ઓફિસરો દ્વારા સિસ્ટમને મોકલવામાં આવ્યો છે. કેટલાક મતદાન મથકો પરથી ડેટા આવવામાં સમય લાગશે. સાથે જ આ આંકડામાં બેલેટ પેપરનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી.
કુલ 429 બેઠકો પર મતદાન પૂર્ણ
પાંચમા તબક્કા સુધી 543 લોકસભા સીટોમાંથી કુલ 429 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. બાકીના બે તબક્કામાં 114 બેઠકો પર મતદાન થવાનું બાકી છે. જે VVIP ઉમેદવારોના નામની બેઠકો પર મતદાન થયું તેમાં સ્મૃતિ ઈરાની, રાહુલ ગાંધી, ચિરાગ પાસવાન, રોહિણી આચાર્ય, રાજનાથ સિંહ, બ્રિજ ભૂષણ સિંહના પુત્ર કરણ સિંહ, સાધ્વી નિરંજન જ્યોતિ, એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેનો સમાવેશ થાય છે.
આ સાથે જ અમેઠી, રાયબરેલી, લખનૌ, કૈસરગંજ, ફતેહપુર, મુંબઈ ઉત્તર, કલ્યાણ, સારણ, હાજીપુર અને બારામુલ્લાની સીટને હોટ સીટ માનવામાં આવી રહી છે.