પશ્ચિમ બંગાળમાં ટકરાશે આ બે સ્ટાર? લોકસભાની ચૂંટણીમાં શત્રુઘ્નસિંહા સામે થઈ શકે મિથુનની ટક્કર
કોલકાતા: આગામી 2024ની લોકસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પક્ષ પોતાની રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત છે. એવામાં પશ્ચિમ આસનસોલથી TMC એ ફરીવાર બિહારી બાબુ શત્રુઘ્નસિંહાને (shatrughan sinha) મેદાને ઉતારવા નક્કી કર્યું છે. પરંતુ BJP તરફથી તેનો કોણ સામનો કરશે તે ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી. જો કે આમ તો તૃણમૂલ કોંગ્રેસ તરફથી પણ આ બાબતની કોઈ ઓફિશિયલ જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ TMC તરફથી આગામી 2024ની લોકસભાની ચૂંટણીમાં શત્રુઘ્નસિંહાને મેદાને ઉતારવામાં આવશે તે નિર્ણય લેવાય ગયો છે.
આ નિર્ણયની પુષ્ટિ નેતાઓ સાથેની એક બેઠક બાદ ખુદ મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કરી હતી. બીજીવાર જીતની અપેક્ષા સાથે તને ફરીવાર આસનસોલથી ચૂંટણી લડાવવામાં આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે શત્રુઘ્ન સિન્હાએ 2022ની પેટાચૂંટણીમાં આસનસોલ બેઠક પર ત્રણ લાખથી વધુના માર્જિનથી જીત મેળવી હતી. આ પહેલા ભાજપે 2014 અને 2019માં જીત મેળવી હતી.
તેવામાં ભાજપ તરફથી આસનસોલમાં અગ્નિમિત્રા પોલ અને જિતેન્દ્ર તિવારીના નામોની ચર્ચોએ વેગ પકડ્યો છે. 2022ની પેટા ચુંટણીમાં શત્રુઘ્નસિંહા સામે અગ્નિમિત્રાએ કારમી હારનો સામનો કર્યો હતો.
પરંતુ ભાજપ બેડામાં એ ગણગણાટ ચાલી રહ્યો છે કે જો શત્રુઘ્નસિંહા સામે અગર કોઈ એવો જ મજબૂત સ્ટાર ઉતારવામાં આવે તો મુકાબલો બરાબરનો જામી શકે છે. અને ભાજપ પાસે મિથુન ચક્રવર્તીના (Mithun Chakraborty) નામે એક સૌથી મોટું સ્ટાર ઓપ્શન છે. કારણ કે અગાઉની ચૂંટણીમાં મિથુન ચક્રવર્તી એ ભાજપનો સારો એવો પ્રચાર પણ કર્યો હતો અને તેની માંગ પણ સારી એવી રહી હતી.
એ સિવાય આસનસોલના પૂર્વ મેયર જિતેન્દ્ર તિવારી પણ આસનસોલ બેઠક પરથી ભાજપના લોકસભા ઉમેદવાર બની શકે છે. આસનસોલમાં બંગાળી અને બિન-બંગાળી ભાષી મતદારોની સંખ્યા લગભગ સમાન છે. જિતેન્દ્ર તિવારી હિન્દી ભાષી મતદારો પર સારી પકડ ધરાવે છે અને તે પહેલા તૃણમૂલમાં હોવાને કારણે ભાજપને લાગે છે કે તે TMCની રણનીતિને સારી રીતે સમજી શકે છે.
જો કે શત્રુઘ્નસિંહા સામે બીજેપી તરફથી કોણ લડશે તો સત્તાવાર જાહેર થયું નથી. જ્યારે કોલકાતામાં મમતા બેનર્જી સાથે ધારણામાં સામેલ થવા આવેલા શત્રુઘ્ન સિંહાએ પોતાના અંદાઝમાં ભાજપને આડે હાથ લીધી હતી અને કહ્યું હતુ કે, વડાપ્રધાન મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાથરતા નથી અને બીજી વસ્તુઓને લઈને બોલ્યા કરે છે. તેને કહ્યું કે લોકો કહે છે કે ‘હું પલટુ છું મે કીધું હું ક્યાં પલટ્યો , હું સીધો જ છું.’