Loksabha Election 2024: ઓડિશામાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે, આ મુદ્દે BJD સાથે ગઠબંધન ન થયું
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા ઓડિશા(Odisha)માં બીજુ જનતા દળ (BJD) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ગઠબંધન અંગે ચાલી રહેલી વાટાઘાટો હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. એવામાં એવા અહેવાલો મળી રહ્યા છે કે ભાજપ ઓડિશામાં ગઠબંધન વગર સ્વતંત્ર રીતે લોકસભા અને ત્યાર બાદની વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. દિલ્હીમાં BJD અને ભાજપ વચ્ચે ગઠબંધન અંગે ચાલી રહેલી વાટાઘાટો બે મહત્વની બેઠકો ભુવનેશ્વર અને પુરીને કારણે અટકી ગઈ છે. આ બેઠકો અંગે સહમતી ન બનતા બંને પક્ષો વચ્ચે ગઠબંધન થઇ શક્યું નથી.
ગઈ કાલે શુક્રવારે સાંજે ભુવનેશ્વર પરત ફરતી વખતે, ભાજપના પ્રદેશ પ્રમુખ મનમોહન સામલેએ ઓડિશામાં તમામ 147 વિધાનસભા અને 21 લોકસભા મતવિસ્તારોમાં ભાજપ ઉમેદવારોને મેદાનમાં ઉતારવા અંગે સંકેત આપ્યો હતો.
મનમોહન સામલેએ કહ્યું કે “અમે રાજ્યમાં આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓની અમારી તૈયારીઓ અંગે કેન્દ્રીય નેતાઓ સાથે ચર્ચા કરવા માટે દિલ્હી ગયા હતા. બેઠક દરમિયાન કોઈપણ પક્ષ સાથે જોડાણ અથવા બેઠકોની વહેંચણી અંગે કોઈ વાતચીત થઈ ન હતી.”
BJD નેતાઓ વી.કે. પાંડિયન અને પ્રણવ પ્રકાશ દાસ ગુરુવારે સાંજે ચાર્ટર્ડ ફ્લાઇટમાં દિલ્હી ગયા હતા અને ભાજપના કેન્દ્રીય નેતાઓ સાથે ગઠબંધન અંગે પર ચર્ચા કરી હતી, તેઓ શુક્રવારે ભુવનેશ્વર પરત ફર્યા હતા. જોકે તેમણે ગઠબંધન અંગે મૌન જાળવી રાખ્યું હતું.
નવીન પટનાયકની આગેવાની હેઠળની BJDએ 2019 માં ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં 112 બેઠકો જીતી હતી. BJDએ 12 લોકસભા બેઠકો જીતી હતી; ભાજપે આઠમાં જીત મેળવી હતી.
ભાજપ અને બીજેડી 1998 અને 2009 વચ્ચે સાથી પક્ષો રહ્યા હતા. નવીન પટનાયક અટલ બિહારી વાજપેયી સરકારમાં સ્ટીલ અને ખાણ પ્રધાન પણ હતા.