Lok Sabha Election 2024: ભાજપના ઉમેદવારના વિરોધ દરમિયાન ખેડૂતનું મોત, પોલીસકર્મીઓ પર આરોપ
પટિયાલા: દેશભરમાં લોકસભા ચૂંટણી(Loksabha Election)ની ઘમસાણ ચાલી રહી છે, આ ચૂંટણી દરમિયાન પંજાબમાં ખેડૂતો(Punjab Farmers)નો મુદ્દો સૌથી મહત્વનો રહેવાનો છે. પંજાબના ખેડૂતો સતત ભાજપનો વિરોધ કરી રહ્યા છે, એવામાં પંજાબના પટિયાલા(Patiyala)માં ભાજપના ઉમેદવાર પ્રનીત કૌર(Preneet Kaur)ના પ્રચાર અભિયાન દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલા એક ખેડૂતનું મોત(Farmers Death) થતા હોબાળો મચી ગયો છે. પ્રનીત કૌરે રવિવાર સુધી પોતાનો ચૂંટણી પ્રચાર કાર્યક્રમ રદ્દ કરી દીધો.
જાણકરી મુજબ સિહરા ગામમાં પ્રનીત કૌરના ચુંટણી પ્રચાર દરમિયાન ખેડૂતોનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન 60 વર્ષીય ખેડૂત સુરિન્દર પાલ સિંહ જમીન પર પડી ગયા હતા. ખેડૂતોનો આરોપ છે કે સુરિન્દર પાલ સિંહ સુરક્ષા પોલીસકર્મીના ધક્કાને કારણે જમીન પર પડી ગયા હતા.
ભાજપના ઉમેદવાર પ્રનીત કૌરની ટીમે એક વીડિયો પણ જાહેર કર્યો છે. આ વીડિયોમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતને જમીન પર પડતા જોઈ શકાય છે. ખેડૂતોએ પ્રનીત કૌર વિરુદ્ધ કાળા ઝંડા સાથે પ્રદર્શન કરી રહ્યા હતા અને પ્રનીત કૌરના વાહનને રોક્યું હતું. આ દરમિયાન પોલીસકર્મીઓએ વાહન ન રોકવા અપીલ કરી હતી.
કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના નેતા સર્વન સિંહ પંઢેરે જણાવ્યું કે ઘટના બાદ સુરિન્દર પાલ સિંહને રાજપુરા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
પરનીત કૌરે ખેડૂતના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, “ખેડૂત સુરિન્દર પાલ સિંહના નિધનથી હું ખૂબ જ દુઃખી છું.” તેમણે ખાતરી આપી કે તેઓ અને તેમનો પરિવાર તેમના અંતિમ શ્વાસ સુધી તેમની સાથે રહેશે.
ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે મૃત ખેડૂતના પરિવારજનોને વળતર અને સરકારી નોકરીની માંગ કરી છે. આ સાથે તેણે આ મામલે એફઆઈઆર નોંધવાની પણ માંગ કરી હતી. ખેડૂત નેતાએ કહ્યું કે જ્યાં સુધી આ મામલે કેસ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવામાં નહીં આવે.