લોકસભાની સેમી ફાઈનલે કૉંગ્રેસની મુશ્કેલી વધારીઃ મહાગઠનબંધનમાં વર્ચસ્વના વાંધા
નવી દિલ્હીઃ વિધાનસભાની ચૂંટણી કૉંગ્રેસ માટે બે રીતે અત્યંત મહત્વની હતી, જેમાં એક તો મધ્ય પ્રદેશ કે રાજસ્થાન બન્નેમાંથી એકમાં કૉંગ્રેસને સત્તા મળી હોત તો કેન્દ્રમાં ભાજપને ઝટકો લાગ્યો હોત, જે લોકસભામાં પણ ભારે પડ્યો હોત અને કૉંગ્રેસીઓને પણ જોમ મળ્યું હોત.
આ સાથે બીજો મોટો ફાયદો એ થયો હોત કે જો ચારમાંથી બે કૉંગ્રેસ જીતી હોત તો ઈન્ડિયા ગઠબંધનમાં તેનો હાથ ઉપર રહ્યો હોત અને લોકસભામાં બેઠકોની વહેંચણી સમયે વધારે બેઠકો પોતાના પક્ષમાં લઈ શકી હોત. પણ પરિણામોએ કૉંગ્રેસના ભાગમાં માત્ર તેલંગણા જ આપ્યું છે ત્યારે હવે મહાગઠબંધનમાં નીતિશ કુમારથી માંડી અખિલેશ અને તેજસ્વી, મમતા બેનરજી તેમ જ અરવિંદ કેજરીવાલના હાથ ઉપર રહેશે, જ્યારે કૉંગ્રસને શાંત બેસી રહેવાની નોબત આવી શકે છે.
269 લોકસભા સીટ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ અને દિલ્હીમાંથી આવે છે. આ બધા રાજ્યમાં કૉંગ્રેસ સત્તાથી દૂર છે. હવે તેમાં બીજા ત્રણ રાજ્યો ઉમેરાયા છે. જોકે કૉંગ્રેસ સામે બાંયો ચડાવનારા સમાજવાદી પક્ષના અખિલેશની હાલત પણ મધ્ય પ્રદેશમાં કફોડી થઈ છે, જ્યારે રાજસ્થાનમાં આમ આદમી પાર્ટી (આપ)ને પણ આમ આદમીએ નકારી છે, પરંતુ આ બધા પોતપોતાના રાજ્યોમાં બળિયા છે અને તેમના રાજ્યોની લોકસભાની બેઠકો પણ વધારે છે.
ગુજરાત, મહારાષ્ટ્ર, રાજ્સ્થાન જેવા મહત્વના પશ્ચિમી પટ્ટામાં કૉંગ્રેસ સત્તામાં તો નથી જ, પરંતુ અહીં તેમનું વર્ચસ્વ પણ નથી કે જાણે તે ઉપર ઉઠવાની કોશિશમાં પણ નથી. અહીંની રાજ્યસ્તરની નેતાગીરી લોકસભામાં કેટલું ઉકાળી શકે તે કહી શકાય તેમ નથી ત્યારે હવે રાષ્ટ્રીય નેતાગારી પણ ચૂંટણી જીતાડી શકતી નથી.
પાંચેય રાજ્યોના ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ ઝંપલાવ્યું હતું, તેમ છતાં પરિણામ વિપરીત આવ્યું છે ત્યારે કૉંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં જીતવા પહેલા પોતાનું વર્ચસ્વ પોતે જ બનાવેલા ગઠબંધનમાં ટકાવી રાખવું પડકારરૂપ બની ગયું છે.