લોકસભામાં છેડાયું ભાષાયુદ્ધ: સ્પીકર અને આ નેતાઓ થયા આમને-સામને
નવી દિલ્હી: લોકસભામાં ગુરૂવારે પ્રશ્નકાળ દરમિયાન એક પૂરક પ્રશ્નનો ઉત્તર આપતા સમયે ભાષાના ઉપયોગના મુદ્દે અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરી વચ્ચે તડાતડી સર્જાઇ.
પ્રશ્નકાળ દરમિયાન દિલ્હીથી ભાજપના સાંસદ મનોજ તિવારીએ આયુષ્માન ભારત કાર્ડની યોજનાના અભાવમાં દિલ્હી અને પશ્ચિમ બંગાળના પ્રવાસી મજૂરોને લગતો એક સવાલ પૂછ્યો હતો, કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીએ અંગ્રેજીમાં તેમનો ઉત્તર આપવાનું શરૂ કરતા અધ્યક્ષ ઓમ બિરલાએ તેમને વચ્ચેથી રોક્યા હતા અને કહ્યું હતું કે જો શક્ય હોય તો તેઓ હિંદીમાં જવાબ આપે.
હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે હું હિંદીમાં બોલી શકું છું, તમે ઇચ્છો તો પંજાબીમાં પણ ઉત્તર આપી શકું છું. મનોજજી પંજાબી સમજે છે. પરંતુ આદેશો તમામ માટે સરખા થવા જોઇએ.” આટલું કહીને તેઓ પંજાબીમાં બોલવા લાગ્યા.
લોકસભા અધ્યક્ષે તેમને જવાબ આપતા કહ્યું હતું કે મને ખ્યાલ છે કે તમને અનેક ભાષા આવડે છે. તમે અંગ્રેજીમાં જવાબ આપી શકો છો, પરંતુ હિંદી અને અંગ્રેજી સિવાયની ભાષા વાપરતા પહેલા તમારે લેખિતમાં આપવું પડે, એ પછી કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીએ કહ્યું હતું કે હું ભોજપુરી ટચ વાળા હિંદીમાં જવાબ આપું છું.
કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીએ દિલ્હીથી ભાજપના સાંસદ મનોજ તિવારીના સવાલના જવાબમાં કેન્દ્રીય યોજનાઓના દિલ્હીમાં ન થઇ રહેલા અમલ વિશે જણાવ્યું હતું કે આ મામલે બંને રાજ્ય સરકારો સાથે આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસને પણ આદેશ મળવો જોઇએ કે કેન્દ્રની યોજનાઓ બરાબર લાગુ થઇ છે કે નહિ, એ પછી ઓમ બિરલાએ તરત તેમને જવાબ આપતા કહ્યું કે એમાં અધ્યક્ષ ફક્ત કેન્દ્ર સરકારને સૂચનાઓ આપી શકે છે, એ સિવાયની અન્ય સરકારોને નહિ.