લોકસભા ઈલેક્શનઃ થાણે જિલ્લામાં 85 વર્ષથી વધુ વયના 59,000થી વધુ મતદાતા
મુંબઈઃ લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)ની તારીખ જાહેર થવાની નજીકમાં છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા વિવિધ કામગીરી અંતિમ તબક્કામાં છે, જ્યારે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં 85 વર્ષથી વધુ ઉંમરના પચાસ હજારથી વધુ મતદારની સંખ્યા છે.
થાણે જિલ્લામાં 85 વર્ષથી વધુ ઉંમરના મતદારો આગામી લોકસભા ચૂંટણીમાં ઘરેલું મતદાન સુવિધાનો લાભ લેશે. થાણે જિલ્લા કલેક્ટર અશોક શિંગારેએ જણાવ્યું હતું કે 85 વર્ષથી વધુ વયના મતદારોની સંખ્યા 59,004 છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હોમ બેલેટની જોગવાઈ ખાસ કરીને ૮૫ અને તેથી વધુ વયની વ્યક્તિઓ અને જેઓ બુથ સુધી જવામાં અક્ષમ છે તેમના માટે બનાવવામાં આવી છે. જિલ્લા ચૂંટણી વિભાગ ઘરેલુ મતદાનની સુવિધા માટે જરૂરી વ્યવસ્થા કરશે.
કુલ 18 વિભાગમાં 5,267 સાથે થાણે વિધાનસભા મતવિસ્તારમાં 85 વર્ષથી વધુ વયના મતદારોની સંખ્યા સૌથી વધુ છે. ડેપ્યુટી કલેક્ટર (ચૂંટણી) અર્ચના કદમે જણાવ્યું હતું કે થાણે જિલ્લામાં નોંધાયેલા મતદારોની કુલ સંખ્યા 63,92,520 છે.
18-19 વયજૂથમાં મતદારોની સંખ્યા 69,720 છે, જ્યારે 20-29 વયજૂથમાં મતદારોની સંખ્યા 10.23 લાખ છે, એમ તેમણે ઉમેર્યું હતું. થાણે જિલ્લામાં સૌથી વધુ 4,39,321 મતદાર ઐરોલી વિધાનસભા ક્ષેત્રમાં છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.