લોકસભા ચૂંટણીઃ મુંબઈગરાને રિઝવવા ઉમેદવારોનો ટાર્ગેટ શું હશે?
મુંબઈ: લોકસભાની ચૂંટણીના ત્રણ તબક્કાનું મતદાન પૂરું થઇ ચૂક્યું છે અને હવે 20મી મેના રોજ મુંબઈમાં મતદાન યોજાવાનું છે ત્યારે મુંબઈના લોકસભા ઉમેદવારોએ પોતે ક્યા ક્ષેત્રમાં લક્ષ કેન્દ્રિત કરવા માગે છે એ વિશે વાત કરી હતી.
મુંબઈ શહેર અને મુંબઈગરાઓના વિકાસ માટે ઉમેદવારોની શું યોજના છે એ વિશે જાણવા માટે યોજવામાં આવેલા કાર્યક્રમમાં ઉમેદવારોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા, જેમાં મોટા ભાગના ઉમેદવારોએ મુંબઈમાં ઝૂંપડપટ્ટી વિસ્તારોના કલ્યાણ અને ઝૂંપડાઓ, ડ્રગ્ઝના દૂષણ તેમ જ મુંબઈમાં પર્યટનના વિકાસ જેવા મુદ્દાઓ વિશે વાત કરી હતી.
આ દરમિયાન ભાજપના ઉમેદવારે મુંબઈના પર્યટનના વિકાસ માટેની યોજના વિશે વાત કરતાં કહ્યું હતું કે મુંબઈ પર્યટન ક્ષેત્રમાં હરણફાળ ભરે તેના પર ધ્યાન આપવાની જરૂર છે. આ માટે મુલુંડમાં આવતા બે વર્ષમાં બર્ડ પાર્ક (પક્ષી અભિયારણ્ય) ઊભું કરવામાં આવશે અને તે માટે ડિઝાઇન કન્સલ્ટન્ટ પણ નીમવામાં આવ્યા છે.
આ, ઉપરાંત મુલુંડમાં ઊંચાઇએ આવેલી ટેકરીઓ પર કેબલ કાર અને ઓબ્ઝર્વેટરી ડેક બનાવવાની પણ અમારી યોજના છે, જ્યાંથી સંજય ગાંધી નેશનલ પાર્ક અને તુલસી લેકનો નજારો માણી શકાય.
આ સિવાય, માનખુર્દમાં વધી રહેલા ડ્રગ માફિયા અને ગુનેગારોના ત્રાસને નાબૂદ કરવા માટે પણ પૂરી તાકાત લગાવવામાં આવશે, એમ ભાજપના ઉમેદવારે જણાવ્યું હતું. આ સિવાય મુંબઈને ઝૂંપડામુક્ત કરવાની સખત જરૂર હોવાની વાત પર તેમણે ભાર મૂક્યો હતો.
બીજી બાજુ ઉદ્ધવ ઠાકરે જૂથના ઉમેદવારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સમન્વય સાધવાની વાત કરતાં કહ્યું હતું કે સાંસદોએ બંને સરકારો વચ્ચે એક સેતુ બનીને કામ કરવું જોઇએ.